BREAKING NEWS

જામનગર જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ

  • August 08, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ

રાજકોટમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા ડાંગરાના ૬ વર્ષના ભૂલકાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો 

ગ્રામજનોમાં ચિંતા સાથે ભયની લાગણી: રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ ઉંધામાથે: દવા છંટકાવ સહીતની કામગીરી 

જામનગર જિલ્લામાં બાળકો માટે અતિ જોખમી ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા આુરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા ડાંગરાના ૬ વર્ષના ભૂલકાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે ભયની લાગણી ફેલાઇ છે. રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે અને દવા છંટકાવ સહીતની કામગીરી હાથ ધરી છે. 

ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા ૬ વર્ષના બાળકને ભારે તાવ, ઝાડા-ઉલ્ટીના કારણે શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા પ્રથમ પડધરી સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ આવે તે પૂર્વે તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. મૃત્યુ પામેલા આ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ડાંગરા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ચાંદીપુરાના પોઝીટીવ કેસના પગલે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ધામા નાખ્યા છે અને રોગચાળાના નિયંત્રણ માટે દવા છંટકાવ, દીવાલોની તીરાડો કે જેમાં ચાંદીપુરા વાયરસ ફેલાવનારી માખી રહે છે તેને બુરવા સહીતની કામગીરી હાથ ધરી છે. 

અત્રે નોંધનીય છે કે, હાલારમાં શ‚આતમાં જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળક મળી ચાંદીપુરાના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન જામનગરની ૨ વર્ષની બાળકી,  લાંબા ગામના ૨ વર્ષના બાળક, કલ્યાણપુરના ૯ મહીનાના બાળક અને દેવભૂમિ દ્વારકામાં રહેતી ૬ વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા તમામ ચાર અને જામનગર તથા વસઇ આમરાના સારવારમાં રહેલા બંને બાળક મળી તમામ ૬ શંકસ્પદ કેસમાં ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. ત્યારબાદ ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ભારે તાવ, આંચકી જેવા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં આ બાળકે દમ તોડી દીધો હતો. આ બાળકનો ચાંદીપુરાનોે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારપછી પોરબંદરના બે વર્ષના બાળકને ભારે તાવ, આંચકીના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. સારવાર બાદ આ બાળકની તબિયત સુધારો થયો હતો. આ બાળકનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જામનગરનું એક બાળક સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. હાલમાં જી.જી.હોસ્પિટલમાં જામનગર, પોરબંદર અને કાલાવડના બાળક સારવાર હેઠળ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application