જામ્યુકોની ચૂંટણીમાં ૫૭.૮૪ ટકા મતદાન, ૧૦ વોર્ડમાં વઘ્યું, ૫ માં ઘટાડો..!
હારજીતના ગણીત: વર્ષ-૨૦૨૧ની સરખામણીએ ૯.૪૩ ટકા મતદાર ઘટયા પણ મતદાન ૪.૨૦ ટકા વઘ્યું, પુષનું ૬૧.૫૮ ટકા અને મહીલાઓનું ૫૩.૯૦ ટકા મતદાન
ગત ચૂંટણીમાં ભાજપની વિજેતા પેનલવાળા વોર્ડ નં.૨,૯,૧૦,૧૧,૧૬ માં મતદાનમાં વધારો, વોર્ડ નં.૩,૫,૭,૮ માં ઘટાડો, વોર્ડ નં.૧૪ માં કોઇ વધ-ઘટ નહીં: કોંગ્રેસની બંને પેનલવાળા વોર્ડમાં મતદાન નોંધપાત્ર વઘ્યું
જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીના ખરાખરી જંગમાં સરેરાશ ૫૭.૮૪ ટકા મતદાન નોંધાયું છે. વર્ષ-૨૦૨૧ની સરખામણીએ એસઆઇઆરની કામગીરી બાદ મનપાની ચૂંટણીમાં ૯.૪૩ ટકા મતદાર ઘટયા છે. પરંતુ મતદાન ૪.૨૦ ટકા વઘ્યું છે. પુષનું ૫૧.૫૮ ટકા અને મહીલાઓનું ૫૩.૯૦ ટકા મતદાન નોંધાયું છે. સૌથી નોંધનીય બાબત એ છે કે ગત ચૂંટણીમાં ભાજપની વિજેતા પેનલવાળા વોર્ડ નં.૨,૯,૧૦,૧૧,૧૬ માં મતદાનમાં વધારો થયો છે, તો વોર્ડ નં.૩,૫,૭,૮ માં ઘટાડો નોંધાયો છે. જયારે વોર્ડ નં.૧૪ માં મતદાનમાં કોઇ વધ-ઘટ થઇ નથી. કોંગ્રેસની બંને પેનલવાળા વોર્ડમાં મતદાન નોંધપાત્ર વઘ્યું છે. આથી મનપાના વોર્ડમાં મતદાનમાં થયેલો વધારો અને ઘટાડાથી કયાં રાજકીય પક્ષ અને ઉમેદવારને ફાયદો કે નુકશાન થશે તેના ગણીત અને ચર્ચાઓ શહેરભરમાં જોરશોરથી ચાલી રહી છે.
જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીમાં ૧૬ વોર્ડની ૬૪ પૈકી એક બેકઠ બીનહરીફ થઇ હોય ૬૩ બેઠક માટે ગઇકાલે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયું હતું. શરૂઆતની બે કલાકમાં મતદાન ખૂબજ ધીમું રહેતા ફકત ૫.૮૩ ટકા મતદાન નોંધાયું હતું. પરંતુ ત્યારબાદ મતદાનમાં વધારો થયો હતો. આથી સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૬.૯૧ ટકા મત પડયા હતાં. આટલું જ નહીં મતદારોનો ઉત્સાહ અવિરત રહેતા બપોરે ૧ વાગ્યા સુધીમાં મતદાન વધીને ૨૯.૯૪ ટકાએ પહોંચ્યું હતું. ખાસ કરીને ગઇકાલે ઘોમધખતા તાપમાં પણ મતદાન અવિરત રહ્યું હતું. આથી બપોરે ૩ વાગ્યા સુધીમાં ૩૯.૮૧ ટકા મતદાન નોંધાયું હતું. છેલ્લી કલાકોમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ વધુને વધુ મતદાન થાય તે માટે રીતસર પરસેવો પાડવો પડયો હતો. કારણ કે, બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૦ ટકા મતદાન પણ થયું ન હતું. રાજકીય પક્ષોના ઉમેદવારોની કવાયત બાદ પણ સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૦.૦૨ ટકા મતદાન થયું હતું. છેલ્લી એક કલાકમાં વધુ ૭.૮૨ ટકા મતદાન થતાં આખરે સાંજે ૬ વાગ્યા સુધીમાં મનપાની ચૂંટણીમાં સરેરાશ ૫૭.૮૪ ટકા મતદાન નોંધાયું હતું. શહેરભરમાં મતદાન શાંતિપૂર્ણ રહેતા જિલ્લા વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જામ્યુકોની ચૂંટણીમાં કુલ ૨૨૭૩૬૪ પુરૂષ અને ૨૧૫૫૪૬૫ મહીલા મળી કુલ ૪૪૨૮૪૧ મતદાર નોંધાયા હતાં. જે પૈકી ૧૪૦૦૧૪ પુરૂષ અને ૧૧૬૧૪૦ મહીલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આથી પુરૂષનું ૬૧.૫૮ ટકા અને મહીલાઓનું ૫૩.૯૦ ટકા મતદાન નોંધાયું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, વર્ષ-૨૦૨૧ની મનપાની ચૂંટણીમાં ૧૦ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવાર એટલે કે પેનલ વિજેતા થઇ હતી. આ પૈકીના વોર્ડ નં.નં.૨,૯,૧૦,૧૧,૧૬ માં મતદાનમાં વધારો થયો છે. જયારે વોર્ડ નં.૩,૫,૭,૮ માં ઘટાડો નોંધાયો છે. વોર્ડ નં.૧૪ માં મતદાનમાં કોઇ વધ-ઘટ થઇ નથી. જયારે કોંગ્રેસની બંને પેનલવાળા વોર્ડ નં.૧ અને ૧૨માં મતદાન નોંધપાત્ર વઘ્યું છે. ત્યારે મતદાનમાં થયેલો વધારો અને ઘટાડાથી મનપાના ચૂંટણી જંગમાં રહેલા ૨૦૬ ઉમેદવાર પૈકી કોને ફાયદો અને નુકસાન થશે તેના ગણીત ચાલી રહ્યા છે. જો કે, આવતીકાલે પરિણામ હોય તેના પર સૌની મીટ મંડાઇ છે.
સૌથી વધુ મતદારો ઘટયા હતા તે વોર્ડ નં.૯ માં ૯.૪૭ ટકા વઘ્યું, કોને ફાયદો- નુકસાન ઉમેદવારો મૂંઝવણમાં :
જામનગરમાં એસઆઇઆરની કામગીરી બાદ વર્ષ-૨૦૨૧ની મનપાની ચૂંટણીની સાપેક્ષમાં ૪૬૧૫૫ મતદારો ઘટયા છે. બીજી બાજુ વર્ષ-૨૦૨૬ની મનપાની ચૂંટણીમાં સરેરાશ ૪.૨૦ ટકા મતદાન વઘ્યું છે. એસઆઇઆરની કામગીરી બાદ વોર્ડ નં.૮ સિવાય તમામ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાસ કરીને વોર્ડ નં.૯ માં સૌથી વધુ ૫૨૮૮ મતદાર ઘટયા છે. આ વોર્ડમાં મતદાન ૯.૪૭ ટકા વઘ્યું છે. જયારે વોર્ડ નં. ૧,૨,૪, ૧૦,૧૧,૧૨, ૧૩,૧૫,૧૬ માં મતદારોની સંખ્યા ઘટી હોવા છતાં મતદાનમાં વધારો થયો છે. જયારે વોર્ડ નં.૩,૬,૭માં મતદારો ઘટયા છે તો મતદાન પણ ગત ચૂંટણી કરતા ઘટયું છે. વોર્ડ નં.૮ માં મતદારો વઘ્યા હોવા છતાં મતદાન ઘટયું છે તો વોર્ડ નં.૧૪માં મતદારો ઘટયા હોવા છતાં મતદાન ગત ચૂંટણી જેટલું રહ્યું છે.