જામનગર: લાલપુર ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટરના ટેન્ડરમાં ગેરરીતિની આશંકા
જાહેરાત કર્યા વિના બારોબાર કામ આપી દેવાયાના અરજદારોના આક્ષેપ
લાલપુર ગ્રામ પંચાયત ક્ષેત્રમાં આવતી ભૂગર્ભ ગટરની સફાઈ, બ્લોકેજ ખોલવા, પાણીની પાઈપલાઈનનું લીકેજ રિપેરિંગ તેમજ સ્ટ્રીટ લાઈટની કામગીરી માટે આશરે રૂ. ૧,૨૫,૦૦૦ની રકમનું ટેન્ડર બહાર પાડવા બાબતે ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારની બુ ઊઠી છે. નિયમ મુજબ કોઈપણ સરકારી કામ માટે વર્તમાનપત્રોમાં જાહેરાત આપવી અને સરકારી કચેરીના નોટિસ બોર્ડ પર નોટિસ લગાવી જાહેર જનતા વચ્ચે સમગ્ર પારદર્શક પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. પરંતુ આ તમામ સરકારી પ્રક્રિયાઓને નેવે મૂકીને કોઈ પણ પ્રકારની જાહેરાત કર્યા વિના જ આ ટેન્ડર પંચાયતના જ મળતીયાઓને સોંપી દેવાયું હોવાની વ્યાપક ચર્ચા જાગી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટેન્ડર લાલપુરના જ કારાભાઈ નામના વ્યક્તિને સોંપી દેવામાં આવ્યું છે. સરકારી પ્રક્રિયા પૂરી કર્યા વગર બારોબાર કામ આપી દેવા અંગે ગ્રામ પંચાયતના સદસ્યો અને અરજદારો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને આ અંગે સરપંચ સમક્ષ રજૂઆત કરી પૂછપરછ પણ કરવામાં આવી હતી. પરંતુ સરપંચ દ્વારા અરજદારોને કોઈ લેખિત જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું. ટેલિફોનિક વાતચીતમાં સરપંચે એવો દાવો કર્યો હતો કે હાલ પૂરતું કામચલાઉ ધોરણે ટ્રાયલ માટે કારુભાઈને કામ સોંપાયું છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ, આ મામલે લાલપુરના સરપંચ જયેશભાઈ ટેરૈયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી કે કોઈ અનઅધિકૃત કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, પંચાયત દ્વારા નિયમાનુસાર નોટિસ પ્રસિદ્ધ કર્યા વિના જ બારોબાર કામ વહિવટ કરી દેવાતાં સ્થાનિક રહીશો અને અરજદારોમાં પંચાયતની કામગીરી સામે ભારે અસંતોષ અને શંકાઓ સેવાઈ રહી છે. હાલ આ ગેરરીતિ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસર કાર્યવાહી થાય અને જવાબદારો સામે પગલાં લેવા માંગ ઉઠી રહી છે.