રાજકોટ લોધિકા ખરીદ વેંચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને આવી જતા જબરી રસાકસી સર્જાઇ છે, આગામી તા.૮ સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી પૂર્વે અવનવા દાવપેચ ખેલાઇ રહ્યા છે, દરમિયાન તાજેતરમાં મતદારોને દબાવવા પ્રયાસ થઇ રહ્યા અંગેનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે.
રા.લો. સંઘની કુલ ૧૬ બેઠકમાંથી ૧૧ બિનહરીફ થઇ ગઇ છે,બાકીની પાંચ બેઠક ત્રંબા, માધાપર, પાડાસણ, કુવાડવા અને ખોખડદળ ઉપર સીધો જંગ છે.
કુવાડવા બેઠક ઉપર રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં છે, જે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. નીતિન ચોવટિયાએ ત્રણ મતદારો સાથે શનિદેવના મંદિરે જઈને વીડિયો બનાવ્યો છે જેમાં એવો કથિત આક્ષેપ કર્યો છે કે કુવાડવા બેઠકના ત્રણ મતદારોએ સમજૂતી કરીને નીતિન ચોવટિયાને ઉમેદવાર બનાવ્યા હતા, પણ ચોથા મતદાર અરવિંદ રૈયાણી એડી ચોટીનું જોર લગાવી મતદારોને દબાણ કરી રહ્યા છે. વીડિયોમાં મતદારે પોતે ભાજપના આજીવન સમર્થક હોવાનું કહી પ્રદેશ ભાજપના હોદ્દેદારોને એવી અપીલ કરી છે કે આ બાબતે પ્રદેશ કક્ષાએથી પક્ષ દરમિયાનગીરી કરે, તદ્ઉપરાંત તેમણે શનિદેવની સાક્ષીએ એકજૂટ રહેવાનો સંકલ્પ લીધો હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું છે.
ભાજપે બુધવારે જ કુવાડવાથી અરવિંદ રૈયાણીને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા, પણ હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચવાનો ઇન્કાર કરતા બળવાની સ્થિતિ બની છે.