BREAKING NEWS

વીજ ગ્રાહકો પર બેવડો બોજ: યુનિટદીઠ 2.45 રૂપિયાના બેઝ ચાર્જ અને વધારાનો 3.99% સરચાર્જ

  • October 24, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સરકારી વીજ કંપનીના જોડાણ ધરાવતા વીજ ગ્રાહકોના બિલમાં ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (એફપીપીએએસ)ના નવા દર લાગુ થતાં વીજ ખર્ચમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે. જુલાઈ 2026થી લાગુ કરાયેલા નવા દર મુજબ, યુનિટદીઠ રૂ. 2.45નો બેઝ ચાર્જ અને તેની સાથે 3.99 ટકાનો વેરીએબલ સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલથી જૂન દરમિયાન બેઝ ચાર્જ રૂ. 2.30 પ્રતિ યુનિટ હતો અને વેરીએબલ સરચાર્જ શૂન્ય હતો. આમ, નવા દરના કારણે ગ્રાહકોના વીજ બિલ પર વધારાની અસર પડશે.

નવા દરોની અસર રહેણાક મકાનો, દુકાનો, ઓફિસો અને કારખાનાં સહિતના વીજ જોડાણો પર પડશે. જોકે, ખેતીવાડી વીજ જોડાણોને આમાંથી બાકાત રાખવામાં આવ્યાં હોવાનું જણાવાયું છે. વીજ વપરાશ વધતો જાય તેમ વધારાની રકમ પણ વધી શકે છે. આપેલા અંદાજ મુજબ, 100 યુનિટના વપરાશ પર રૂ. 30થી 45, 300 યુનિટ પર રૂ. 90થી 135, 500 યુનિટ પર રૂ. 150થી 225 અને 1,000 યુનિટના વપરાશ પર રૂ. 300થી 450 સુધીનો વધારાનો બોજ આવી શકે છે. જ્યારે 10,000 યુનિટ વાપરતા ગ્રાહકો માટે આ રકમ રૂ. 3,000થી 4,500 સુધી રહેવાનો અંદાજ છે.

નવા દરોની ગણતરી 1 જુલાઈથી કરવામાં આવનાર હોવાથી જુલાઈ અને ઓગસ્ટ મહિનાનાં બિલમાં થયેલા તફાવતની રકમ પણ આગામી બિલમાં વસૂલવામાં આવશે. પરિણામે ગ્રાહકોને નિયમિત બિલ ઉપરાંત અગાઉના સમયગાળાની બાકી વધારાની રકમ પણ ચૂકવવી પડી શકે છે.

વીજ ચાર્જમાં થયેલા વધારા અંગે ગુજરાત કોંગ્રેસે સરકાર પાસે સ્પષ્ટતા માગી છે. વીજળીના ઉત્પાદન અને ખરીદીના ખર્ચમાં કેટલો વધારો થયો છે, કોલસા, ગેસ સહિતનાં વિવિધ સ્ત્રોતોના ખર્ચની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને બેઝ ચાર્જ ઉપરાંત વેરીએબલ સરચાર્જની અસર કેવી રીતે નક્કી થાય છે, તેવા સવાલો વિપક્ષે ઉઠાવ્યા છે.

કોંગ્રેસે ફિક્સ અને ડિમાન્ડ ચાર્જ પર થતી સંભવિત વધારાની અસર અંગે પણ સ્પષ્ટતા કરવાની માગ કરી છે. વીજ ગ્રાહકોને વધારાના ચાર્જ પાછળનાં કારણો અને તેની ગણતરીની પદ્ધતિનો પારદર્શક હિસાબ મળવો જોઈએ, તેવી રજૂઆત સાથે સરકારે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application