BREAKING NEWS

બેફામ ભાડાં પર અંકુશ મૂકવા ગુજરાત સરકારનો નવો ઠરાવઃ કલેક્ટર અને ખાતાના વડાની માસિક સત્તા રૂ.25 હજાર નક્કી

  • October 24, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી કચેરીઓ અને અન્ય હેતુઓ માટે મકાન, જગ્યા કે જમીન ભાડે લેવામાં મનસ્વી રીતે ભાડું નક્કી કરવાની પ્રથાને અંકુશમાં લેવા રાજ્ય સરકારે ૨૮ વર્ષ બાદ ભાડાની નાણાકીય સત્તા સોંપણીના નિયમોમાં ફેરફાર કર્યો છે. નાણા વિભાગે આ અંગે નવો ઠરાવ પ્રસિદ્ધ કરીને વિવિધ સરકારી અધિકારીઓ માટે ભાડાની મંજૂરી આપવાની સત્તાની મર્યાદા નક્કી કરી છે. આ નિર્ણયથી સરકારી મિલકતો ભાડે લેવાની પ્રક્રિયામાં નાણાકીય શિસ્ત અને પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરાયો છે.


સરકારના ઠરાવ અનુસાર, સરકારી વિભાગો દ્વારા કચેરીઓ, માલસામાનના સંગ્રહ માટે સ્ટોરરૂમ, ગોદામ, વખાર, ખુલ્લી જગ્યા, નિવાસસ્થાન, છાત્રાલયો, ટેકનિકલ તથા અન્ય નિવાસી શાળાઓ અને વિશેષ સરકારી પ્રવૃત્તિઓ માટે જરૂરી મકાન, મકાનનો ભાગ કે જમીન ભાડે લેવામાં આવે ત્યારે અધિકારીઓએ નિર્ધારિત નાણાકીય મર્યાદામાં રહીને જ મંજૂરી આપવાની રહેશે.


ઠરાવમાં જણાવ્યા મુજબ, એક મકાનમાં અથવા એકથી વધુ મકાનોમાં સરકારી કચેરીઓ કાર્યરત હોય તેવા કિસ્સામાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા પ્રમાણિત કરાયેલા વ્યાજબી ભાડા ઉપરાંત ૬૦ ટકા સુધી અથવા માસિક રૂ. ૧.૫ લાખ પૈકી જે રકમ ઓછી હોય તેટલી સત્તા સંબંધિત વહીવટી વિભાગને આપવામાં આવી છે.


બીજી તરફ, જિલ્લા કલેક્ટર, ખાતાના વડા અને પ્રાદેશિક વડા માટે પ્રમાણિત ભાડા ઉપરાંત ૪૦ ટકા અથવા માસિક રૂ. ૨૫ હજાર પૈકી જે રકમ ઓછી હોય તેટલી જ નાણાકીય સત્તા નક્કી કરવામાં આવી છે. જ્યારે કચેરીના વડા માટે પ્રમાણિત ભાડા ઉપરાંત ૨૦ ટકા અથવા માસિક રૂ. ૨,૦૦૦ની મર્યાદા રાખવામાં આવી છે.


આ ઉપરાંત, કચેરીઓમાં પુસ્તકો અને સામયિકોની ખરીદી તથા તેનાં બિલોની ચુકવણી માટે તમામ સ્તરે વાર્ષિક રૂ. ૨,૦૦૦ની મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા નિયમોથી સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવાની સાથે ભાડાની મંજૂરીમાં જવાબદારી સુનિશ્ચિત કરવાનો હેતુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application