BREAKING NEWS

જામનગર, હાપા, ખંભાળિયા, સહિત તમામ રેલવે સ્ટેશનો પર જન સંવાદ યોજાયો

  • October 24, 2026 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર, હાપા, ખંભાળિયા, સહિત તમામ રેલવે સ્ટેશનો પર જન સંવાદ યોજાયો 

​​​​​​​આજકાલ પ્રતિનીધી
જામનગર 
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ૬.૦ અંતર્ગત ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ડિવિઝનના તમામ ૫૩ રેલવે સ્ટેશનો પર રેલ જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને રેલવે સેવાઓ, સ્ટેશનો તેમજ ટ્રેનોમાં સ્વચ્છતા અને ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ સંબંધિત તેમના સૂચનો અને અનુભવો મેળવવાનો હતો.
​​​​​​​

રાજકોટ રેલવે સ્ટેશન પર ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીનાએ મુસાફરો સાથે સંવાદ સાધી સ્ટેશનની સ્વચ્છતા વ્યવસ્થા તેમજ ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અંગે ફીડબેક લીધો હતો. આ દરમિયાન મુસાફરોના અનુભવો અને સૂચનો નોંધવાની સાથે તેમના પ્રશંસાપત્રો પણ મેળવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનની વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ટિકિટ ચેકિંગ સ્ટાફ  દ્વારા પણ સ્વચ્છતા અંગે ફીડબેક લેવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા ટ્રેનોમાં સ્વચ્છતા વ્યવસ્થા અંગે મુસાફરોના અનુભવો, સૂચનો અને અપેક્ષાઓની માહિતી મેળવવામાં આવી હતી, જેથી સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવી શકાય.

મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે રાજકોટ સ્ટેશન પર કાર્મિક વિભાગ દ્વારા શેરી નાટક (નુક્કડ નાટક)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી મુસાફરોને રેલવે પરિસરને સ્વચ્છ રાખવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીનાએ આ જાગૃતિ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કાર્મિક અધિકારી  અમૃત સોલંકી સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ સાથે વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સ્ટેશન અધિક્ષકો તેમજ કોમર્શિયલ ઇન્સ્પેક્ટરોએ ભક્તિનગર, જામનગર, હાપા, ખંભાળિયા, દ્વારકા, ઓખા, વાંકાનેર, મોરબી, થાન અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ સ્ટેશનો પર મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ તેમજ સૂચનોની વિગતો મેળવી હતી. આ સાથે જ ડિવિઝનના તમામ ૫૩ રેલવે સ્ટેશનો પર વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, મુસાફરો સાથેનો સીધો સંવાદ તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજવા માટેનું એક અસરકારક માધ્યમ છે. મુસાફરો તરફથી મળેલા સૂચનોના આધારે મુસાફર સુવિધાઓ અને સ્વચ્છતા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવશે. રેલવે પરિસરને સ્વચ્છ રાખવું એ રેલવે પ્રશાસનની સાથે-સાથે દરેક મુસાફરની પણ ફરજ છે. લોકભાગીદારી અને સામૂહિક પ્રયાસો થકી મુસાફરોને સ્વચ્છ તેમજ બહેતર સુવિધાયુક્ત મુસાફરીનો અનુભવ આપી શકાય છે. રેલ જન સંવાદના માધ્યમથી રાજકોટ ડિવિઝન મુસાફરોની સક્રિય સહભાગિતાને પ્રોત્સાહિત કરતાં મળેલા સૂચનોનો ઉપયોગ સેવાઓમાં સુધારો કરવા માટે કટિબદ્ધ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application