રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાસ-૧ અધિકારીની નિમણુંક કરવા અંગે નિર્ણય લેતી ઓફિસર્સ સિલેક્શન કમિટીની મિટિંગ ગઇકાલે તા.૧૬ ઓગસ્ટને રવિવારે રજાના દિવસે વિવિધ આઠ જગ્યા માટે ૧૭ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતાં. જો કે મ્યુનિસિપલ કમિશનરે ઓફિસર્સ સિલેક્શન કમિટીને સુચવેલા તમામ નામો કમિટીના સભ્યોને અયોગ્ય જણાતા હવે નવેસરથી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા હાથ ધરવી પડે તેવું ચિત્ર ઉપસી રહ્યું હોવાનું જાણવા મળે છે.
રાજકોટ મહાપાલિકામાં ક્લાસ-૧ અધિકારીની નિમણુંક માટે ભરતી પ્રક્રિયા જાહેર કર્યા બાદ સૌપ્રથમ સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા તમામ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાય છે. જેના આધારે મ્યુનિ.કમિશનર દ્વારા વિવિધ જગ્યા માટે કુલ જગ્યાના બમણા નામો ઓફિસર્સ સિલેક્શન કમિટી સમક્ષ મોકલવામાં આવે છે. જેમાં એક ઉમેદવારની જે તે જગ્યા માટે પસંદગી કરવામાં આવતી હોય છે. અને બીજુ નામ વેઈટીંગ લિસ્ટમાં હોય છે.ગત ટર્મમાં ઓફિસર્સ સિલેક્શનની બેઠક મળી શકી ન હતી. સામાન્ય રીતે ક્લાસ-૧ અધિકારીની નિમણુંક માટે નિર્ણય લેતી ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં કુલ પાંચ સભ્યો હોય છે. જેમાં હોદાની રૂએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસકપક્ષના નેતા અને વિપક્ષના નેતા કમિટીના સભ્ય હોય છે. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસને માન્ય વિપક્ષનો દરજ્જો મળે તેટલી પણ બેઠક મળતી નથી. તેના કારણે કમિટીમાં માત્ર ચાર સભ્યો જ ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. પરંતુ આ વખતે આશ્ર્ચર્યજનક રીતે શાસકપક્ષના નેતાને પણ ઓફિસર્સ સિલેક્શન કમિટીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ગઈકાલે એડિશનલ સીટી એન્જિનિયર, કાર્યપાલક ઈજનેર, ડાયરેક્ટર આઈટી, ડેપ્યુટી સેક્રેટરી, એડિશનલ ચીફ ફાયર ઓફિસ અને પર્યાવરણ ઈજનેરની જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં. જેમાં મેયર ડો. નેહલ શુક્લ, ડે. મેયર દક્ષાબેન વસાણી અને સ્ટે. કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાએ સતત ચાર કલાક સુધી અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતાં.
એડિશનલ સીટી એન્જિનિયરની બે જગ્યા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઋષિકેશ ડાંગર અને એષા શાહનું નામ કમિટી સમક્ષ મુકવામાં આવ્યું હતું. જ્યારે વેઈટીંગમાં જયેશ સોનાગરા અને કિંચીત ભગતનું નામ સુચવવામાં આવ્યું હતું.
સીટી એન્જિનિયર સ્પેશિયલ બે જગ્યા માટે અતુલ રાવલ, શૈલેષ સીતાપરાનું નામ સુચવાયું હતું. જ્યારે વેઈટીંગમાં હર્ષ ગોહિલ અને મૌલિક ટાંકનુ નામ, કાર્યપાલક ઈજનેરની જગ્યા માટે મનોજ શ્રીવાસ્તવ અને વેઈટીંગમાં જતીન જેઠવાનું નામ સુચવાયું હતું પરંતુ મનોજ શ્રીવાસ્તવ રિટાયર્ડ થઈ ગયા હોય આ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં ન આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડાયરેક્ટર (આઈટી)ની એક જગ્યા માટે હિંમતલાલ શારેશાનું નામ સુચવાયું હતું. જ્યારે વેઈટીંગમાં વિજય બદલાણીનું નામ મુકવામાં આવ્યુ હતું.
ડેપ્યુટી સેક્રેટરીની એક જગ્યા માટે ધવલ જેસડિયાનું નામ સુચવાયું હતું. જ્યારે વત્સલ પટેલનું નામ વેઈટીંગ લીસ્ટમાં હતું.
એડિશનલ ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા માટે અનિરુદ્ધસિંહ કનકસિંહ ગઢવીનું નામ સુચવવામાં આવ્યુ હતું. જ્યારે વેઈટીંગ લીસ્ટમાં બે નામ કેઝાદ દસ્તુર અને મેહુલ કાબરિયાનું નામ સુચવવામાં આવ્યું હતું.
પર્યાવરણ ઈજનેરની એક જગ્યા માટે માત્ર ગીરધરભાઈ રામનું નામ સુચવાયું હતું. વેઈટીંગમાં કોઈ પણ નામ સુચવવામાં આવ્યું ન હતું. ચાર કલાકના ઈન્ટરવ્યુ બાદ ઓફિસર્સ સિલેક્શન કમિટીને એવુ મહેસુસ થયું છે કે, જે જગ્યા માટે જે નામો સુચવવામાં આવ્યા છે. તે લાયક નથી. જેના કારણે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ઓફિસર્સ સિલેક્શન કમિટીમાંથી શાસક નેતાની બાદબાકી કરાઇ કે?
રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાસ-૧ અધિકારીઓની નિમણુંક કરવા અંગે નિર્ણય લેતી ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠકમાં મુખ્ય ત્રણ પદાધિકારી અને શાસકપક્ષના નેતા તથા વિપક્ષના નેતા એમ કુલ પાંચ સભ્યો હોય છે. આ કમિટીમાંથી આશ્ર્ચર્યજનક રીતે શાસકપક્ષના નેતાની બાદબાકી કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે વિપક્ષમાં તો હજુ સુધી કોઈ નેતા પદે નિયુક્ત થયું જ નથી. ગઈકાલે વિવિધ આઠ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જ ઈન્ટરવ્યુ લેવાયા હતાં. શાસકપક્ષના નેતાને સત્તાવાર રીતે જાણ પણ કરાઇ નહીં હોવાની ચર્ચા છે. હાલ સુધીની ઓફિસર્સ સિલેક્શન કમિટીની તમામ મિટિંગમાં શાસક પક્ષના નેતાની સભ્યપદે અચૂક ઉપસ્થિતિ રહેતી હતી.