BREAKING NEWS

સીએનજીના ભાવ વધતા રાજકોટ રિક્ષા એસો.એ મોરચો માંડ્યો, મિનિમમ ભાડું રૂ.15થી વધારી 20 કરવા માંગ

  • August 09, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેર બાદ હવે રાજકોટમાં પણ ઓટોરિક્ષા ચાલકો દ્વારા રિક્ષા ભાડામાં વધારો કરવાની ઉગ્ર માંગણી ઉઠી છે. રાજકોટ બસપોર્ટ પાસે રિક્ષા ચલાવતા આશરે ૧૦૦થી વધુ રિક્ષા ચાલકોના એસોસિએશન દ્વારા હાલનું પ્રથમ ૧ કિલોમીટરનું મિનિમમ ભાડું જે ૧૫ રૂપિયા છે, તેમાં વધારો કરીને ૨૦ રૂપિયા કરવાની સત્તાવાર માંગ કરવામાં આવી છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે બાઇક ટેક્સી સર્વિસ 'રેપિડો'ના કારણે તેમનો પરંપરાગત વ્યવસાય સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે, જ્યારે બીજી તરફ સીએનજી (CNG) ગેસના વધતા ભાવથી તેમનું જીવનનિર્વાહ પણ મુશ્કેલ બન્યું છે.


રાજકોટમાં સીએનજી ગેસના ભાવ સતત વધીને પ્રતિ કિલોગ્રામ ૮૫ રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ શહેરના આશરે ૩૫ હજારથી વધુ રિક્ષા ચાલકો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રિક્ષા એસોસિએશનનું કહેવું છે કે ગેસના ભાવમાં આટલો મોટો વધારો થયો હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષાનું મિનિમમ ભાડું ૧૫ રૂપિયા જ રાખવામાં આવ્યું છે, જે હવે કોઈપણ હિસાબે પરવડે તેમ નથી. આ ઉપરાંત એન્જિન ઓઇલ, વાહનના સ્પેરપાર્ટ્સ અને મેઇન્ટેનન્સના ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.


રાજકોટ બસપોર્ટ રિક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ અમીનભાઈ નગરીયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં રેપિડો મોટરસાઇકલોના સતત ફાટી નીકળેલા દૂષણના કારણે રિક્ષા ચાલકોનો ધંધો ચોપટ થઈ ગયો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જે અંતરનું રિક્ષા ભાડું સામાન્ય રીતે ૧૦૦ રૂપિયા થતું હોય, ત્યાં રેપિડો વાળા માત્ર ૩૫ રૂપિયામાં પેસેન્જરને લઈ જાય છે. આવી સ્કીમો અને અસમાન સ્પર્ધાના કારણે મુસાફરો રિક્ષામાં બેસવાનું ટાળી રહ્યા છે અને રિક્ષા ચાલકોની દૈનિક આવક અડધી થઈ ગઈ છે.


તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રેપિડો રિક્ષાઓમાં નિયમ મુજબ માત્ર ૩ મુસાફરોની જ પરમિટ હોય છે, તેમ છતાં નિયમોનો અનાદર કરીને નક્કી જ ૫-૫ મુસાફરોને બેસાડવામાં આવે છે, જે મુસાફરોના જોખમ સાથે કાયદાનું પણ ઉલ્લંઘન છે. રાજકોટમાં આશરે ૩ વર્ષ પહેલા જ્યારે સીએનજી ગેસનો ભાવ ૨૬ રૂપિયા પ્રતિ કિલો હતો ત્યારે પણ ભાડું ૧૫ રૂપિયા હતું અને આજે ગેસ ૮૫ રૂપિયા પહોંચ્યો હોવા છતાં પણ ભાડું ૧૫ રૂપિયા જ છે. આ વિસંગતતા દૂર કરવા માટે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે રિક્ષાના મિનિમમ ભાડામાં વધારો કરીને કિલોમીટર દીઠ ૨૦ રૂપિયા કરે તેવી માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application