BREAKING NEWS

રાજકોટમાં રાત્રિથી સવાર સુધીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો, વૃક્ષો ધરાશાયી, મ્યુનિસિપલ સ્ટાફની રજાઓ રદ

  • August 01, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી ૭૨ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં ગત રાત્રે આઠ વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયો હતો અને ધીમી ધારે સવાર સુધી પાણી વરસ્યું હતું. રાત્રે આઠથી સવારે આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયા બાદ સવારે આઠથી આ લખાય છે ત્યારે ૧૧ વાગ્યા સુધીમાં વધુ એક ઇંચ પાણી વરસી જતા રાજકોટ શહેરમાં કુલ બે ઇંચ વરસાદ નોંધાયો છે.


વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલરૂમ ના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે ૯:૩૦ કલાકે વેસ્ટ ઝોનમાં ૩૮ મીમી (દોઢ ઇંચ), સેન્ટ્રલ ઝોનમાં ૩૮ મીમી ( દોઢ ઇંચ) અને ઇસ્ટ ઝોનમાં ૩૧ મીમી ( સવા ઇંચ) વરસાદ નોંધાયો હતો. ૯:૩૦ કલાક બાદ પણ સતત વરસાદ ચાલુ રહેતા સવારે ૧૧ કલાક સુધીમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું. ધીમી ધારે વરસાદ વરસ્યો હોય પાણી ભરાયાંની એક પણ ફરિયાદ નોંધાઇ નથી. જ્યારે કેનાલ રોડ ઉપર લલુડી વોંકળીમાં વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ મળતા ફાયર બ્રિગેડ અને ગાર્ડન શાખાની ટીમે સ્થળ ઉપર દોડી જઇ ધરાશાયી થયેલું વૃક્ષ દૂર કરાવી રસ્તો ક્લિયર કરાવ્યો હતો. આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ૧૩.૨૫ ઇંચ થયો છે.


રાજકોટ શહેર ઉપરાંત શહેરની ભાગોળે આવેલા શહેરના મુખ્ય જળ સ્ત્રોત આજી-૧ ડેમ સાઇટ ઉપર ૨૫ મીમી, ન્યારી-૧ ડેમ સાઇટ ઉપર ૧૨ મીમી અને લાલપરી તળાવ ઉપર ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહી હોય મ્યુનિસિપલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News