રાજકોટનો પ્રખ્યાત લોકમેળો વિધિવત રીતે સંપન્ન થઈ ગયો છે, પરંતુ મેળો પૂર્ણ થયા બાદ પણ સ્થાનિક લોકો માટે ખરીદીનો આનંદ અકબંધ રહ્યો છે. મેળાની પૂર્ણાહુતિ પછી બહારગામથી આવેલા ફેરિયાઓ અને સ્ટોલ ધારકો હવે મેળાના મેદાનની બહાર અને આસપાસના રસ્તાઓ પર પોતાનો વધેલો માલસામાન સસ્તા ભાવે વેચીને પોતાના વતન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. જેના કારણે મેળા પરિસરની બહાર પણ હજુ સુધી બજાર જેવો ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સસ્તા ભાવે રમકડા ખરીદવા પડાપડી કરી રહ્યા છે.
મેળા દરમિયાન જે રમકડાં, ગૃહઉપયોગી વસ્તુઓ અને કટલેરી ઊંચા ભાવે વેચાતી હતી, તે જ માલસામાન હવે ફેરિયાઓ દ્વારા તદ્દન પાણીના મુલે વેચવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો અને ગ્રાહકો સાથે વાતચીત કરતાં તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકમેળાના દિવસો કરતા હાલ અહીં 50 ટકા જેટલા ઓછા ભાવે રમકડાં અને અન્ય આકર્ષક વસ્તુઓ મળી રહી છે. આ જ કારણ છે કે મોંઘવારીના જમાનામાં બજેટ સચવાઈ જતાં લોકો મેળા બાદ પણ પરિવાર અને બાળકો સાથે મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે.
બીજી તરફ, બહારગામથી આવેલા વેપારીઓનું કહેવું છે કે, માલસામાન પાછો પોતાના વતને લઈ જવામાં પરિવહન (ટ્રાન્સપોર્ટ) નો મોટો ખર્ચ થાય તેમ છે. આથી, માલ સાચવવા અને પાછો લઈ જવાના બોજથી બચવા માટે તેઓ નજીવા નફે કે પડતર કિંમતે જ સ્ટોક ખાલી કરી રહ્યા છે. આમ, લોકમેળો પૂર્ણ થયા બાદ પણ રાજકોટવાસીઓ માટે "મેળા પછીનો મેળો" જામ્યો છે, જ્યાં સસ્તા ભાવે રમકડાં અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.