પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જામકંડોરણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માતૃશક્તિ અને દુર્ગાવાહિની તેમજ સંસ્કાર વિદ્યાલયની બહેનો દ્વારા સરકારી કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનની અત્યંત હર્ષોલ્લાસ અને ભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન બહેનોએ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન તેમજ અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓને તિલક કરી, આરતી ઉતારીને રક્ષાસૂત્ર ( રાખડી) બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તેમજ સુખ-સમૃદ્ધિની કામના કરી હતી. દિવસ-રાત જનસેવા અને સમાજની સુરક્ષા માટે સમર્પિત રહેતા સરકારી કર્મચારીઓએ પણ બહેનોની આ ભાવનાને બિરદાવી હતી અને તેમની સુરક્ષાનું વચન આપ્યું હતું.
આ ઉજવણીમાં બાબરીયા દિલ્પાબેન, બાબરીયા નેહલબેન, બગડા હિરલબેન, બાલધા ધ્રુવીબેન, અમરેલીયા રિંકલબેન, ચોવટિયા ખુશીબેન, આડતીયા જ્યોતિબેન, બગડા વસુધાબેન, ગોહેલ પ્રિયંકાબૅન, દોંગા ક્રિષ્નાબેન, સોલંકી રસીલાબેન તથા જાડેજા ભાર્ગવીબૅન સહિત માતૃશક્તિ-દુર્ગાવાહિની અને સંસ્કાર વિદ્યાલયની બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી.
સમાજમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તેમજ સરકારી કર્મચારીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભવ્ય પરંપરા જળવાઈ રહે તેવા સુંદર હેતુથી આ રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.