સમસ્ત બ્રહ્મ સમાજ, રાજકોટ આયોજિત જ્ઞાન સંકલ્પ યોજનામાં બ્રહ્મસમાજના જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકોને પસંદ કરી ધો. 9થી 12 સુધી રાજકોટની પ્રતિષ્ઠિત શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે. આ યોજનાના બીજા જ વર્ષે પસંદ થઈ ધો. 9થી 12 સુધી અભ્યાસ કરનાર પ્રણવ જોશી હાલ રાજકોટની ગર્વમેન્ટ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. પણ રાજકોટ જ નહીં ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે પ્રણવ જોશીનું રિસર્ચ પેપર ઈસરોના જર્નલમાં પબ્લીશ થયું છે. જેનાથી પ્રણવે તેમના પરિવાર અને સમગ્ર રાજકોટનું ગૌરવ વધાર્યું છે. આજે પ્રણવ જોશી અને સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી સહિતની ટીમ આજકાલની શુભેચ્છા મુલાકાતે આવી હતી. આજકાલના ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે પ્રણવે પોતાના રિસર્ચ પેપર વિશે વિગતવાર વાત કરી હતી.
પ્રણવે પોતાના રિસર્ચ પેપર વિશે જણાવ્યું હતું કે, નાવિક જીપીએસમાં વર્ટીકલ પોઝિશનલ એરર આવે છે. જેને રીડ્યુસ કરવા માટે એક નેનો સેટેલાઈટ ડેવલોપ કર્યું છે. જેને સંબંધિત મારું રિસર્ચ પેપર હતું. જે ઈસરોના જર્નલમાં પ્રકાશિત થયું છે. વર્ટીકલ પોઝિશનલ નેવિગેશન સિસ્ટમમાં જે એરર આવે છે તેમાં ઘટાડો કરવા માટે નેનો સેટેલાઈટ છે. જેનો ઈમ્પીટ્યુડ સિન્ટેલેશન ઈન્ડેક્સ કેક્યુલેટ કરી જે ક્રિટીકલ આયોનોસ સ્પેરીક ઈવેન્ટ હોય તેની માહિતી નાવિક જીપીએસને આપે છે. તેમજ મેથેમેટિક મોડલથી વર્ટીકલ પોઝીશનલ એરરને ઘટાડી શકાય છે.
પ્રણવે વધુમાં જણાવ્યું હતું કે, વર્ટીકલ પોઝીશનલ એરર 5.5 મીટર સુધીની હોય છે. જેને કારણે મેપ પોઝીશન હોય છે તે 5.5 મીટર આગળ કે પાછળ દેખાતી હોય છે. તેમાં આ રિસર્ચ પેપર થકી એક મીટરની અંદરની રેન્જમાં આવી જાય છે.
પ્રણવ જોશીએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ચાલતી જ્ઞાન સંકલ્પ યોજના દ્વારા મારા અભ્યાસની તમામ આર્થિક જવાબદારી ઉઠાવવામાં આવી. આથી હું તણાવ વગર અભ્યાસ કરી શક્યો છું. આજે ઉત્તમ કારકિર્દી તરફ આગળ વધી રહ્યો છું તે માટે હું મારા સમાજના વડીલોને સદાયે ઋણી રહીશ અને ભવિષ્યમાં આ યોજનામાં તન, મન અને ધનથી યોગદાન આપી મારું સામાજિક ઉતરદાયિત્વ નિભાવીશ.
ઉલ્લેખનીય છે કે, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જ્ઞાન સંકલ્પ યોજના 2017માં શરૂ કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે જરૂરિયાતમંદ 20 બાળકો પસંદ કરવામાં આવે છે અને તેમનો ધો.9થી 12 સુધીનો અભ્યાસ વિનામૂલ્યે કરાવવામાં આવે છે. આ અંગે સંસ્થાના સ્વપ્નદૃષ્ટા કશ્યપભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, છેવાડાના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકો માટે શિક્ષણની સુવિધા જોવાની જવાબદારી અમારી છે અને તે હેતુથી આ યોજના શરૂ કરી છે. આવા ઉત્તમ પરિણામોથી અમારી યોજનાને આગળ ધપાવવાનું અમને બળ મળે છે અને આ તકે ખાતરી આપું છું કે, બ્રહ્મ સમાજનો કોઈ તેજસ્વી બાળક આર્થિક જરૂરિયાતના કારણે ઉત્તમ શિક્ષણથી વંચિત નહીં રહે.
શુભાંશુ શુક્લા સાથે મુલાકાત, પુસ્તક ભેટમાં આપ્યુંઃ પ્રણવ
પ્રણવ જોશીએ ઈસરોમાં બે દિવસ વિતાવ્યા હતા. તેણે ઈસરોમાં કેવો અનુભવ રહ્યો તેના વિશે વાત કરતા આગળ ઉમેર્યું હતું કે, ઈસરોના ડાયરેક્ટર અને એસ્ટ્રોનટ શુભાંશુ શુ્કાલ સાથે મારી મુલાકાત થઈ હતી. શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા તેના અનુભવનું પુસ્તક તેઓએ મને ગીફ્ટ કર્યું હતું. તેઓએ મને રિચર્સ પેપરના પ્રોજેક્ટ પર આગળ વધવાની અને દેશનું ગોરવ વધારવાની શીખ આપી હતી. શુભાંશુ શુક્લા પાસેથી અમને તેમના અનુભવો જાણવા મળ્યા હતા. તેઓને મળીને મને ખુબ જ આનંદ થયો હતો. ઈસરોમાં મેં સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ અને પેલોડ સિસ્ટમ જોઈ હતી.
ગુજરાતમાં 30માંથી મારૂ એકનું પેપર સિલેક્ટ થયું
પ્રણવ જોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં 30 પેપરમાંથી મારું એકનું પેપર સિલેક્ટ થયું હતું. જેમાં હું સૌથી નાનો હતો. હું એક જ મિકેનિકલ એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો. બાકીના બધા સાયન્ટિસ્ટો, પીએચડી કરનારાઓ હતા. મારું ઈવોલ્યુએશન સેક ઈસરોના ડાયરેક્ટર સૌમ્ય એસ. સરકારે કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, તમારૂ કામ સરસ છે અને હજુ આમાં ડેવલોપ કરી પ્રોજેક્ટ આગળ વધારી શકાય તેમ છે.
મારું એરસ્પેસમાં જવાનું સપનું
પ્રણવ જોશીએ પોતાના લક્ષ્ય વિશે જણાવ્યું હતું કે, મારે તો સૌપ્રથમ ગેટની પરીક્ષામાં સારો રેન્ક મેળવીને આઇઆઇટીમાં પ્રવેશ મેળવવો છે. તેમજ મારા પેપરમાં રિસર્ચ આગળ વધારવું છે. આગળ જતા એરસ્પેસમાં જવાનું મારું સપનું છે. પિતા નિલેશભાઈ જોશી ફેક્ટરીમાં જોબ વર્ક કરે છે. જ્યારે માતા મિનલબેન હાઉસવાઈફ છે.
દર વર્ષે 10 હજાર એન્ટ્રી આવે, 300 સિલેક્ટ થયા, જેમાં પ્રણવ એક
સમસ્ત બ્રહ્મ સમાજ, રાજકોટના મહામંત્રી અને જ્ઞાન સંકલ્પના પ્રોજેક્ટ હેડ ડો.અતુલ વ્યાસે જણાવ્યું હતું કે, અમારા બ્રહ્મ સમાજના અગ્રણી કશ્યપભાઈ શુક્લ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠડળ આ પ્રોજેક્ટની જવાબદારી મને અને સુરભીબેન આચાર્યને સોંપી છે. દર વર્ષે 150 વિદ્યાર્થીઓની અરજી આવે છે ત્યારબાદ પારદર્શક કસોટીના આધારે 20 બાળકો પસંદ કરી તેમનો ધો.9થી 12નો અભ્યાસ રાજકોટની નામાંકિત શાળાઓમાં કરાવીએ છીએ. પ્રણવ અમારા બીજા બેચનો વિદ્યાર્થી છે. પ્રણવને ધો.10માં 99.32 પીઆર અને ધો.12માં 90 પીઆર આવ્યા હતા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગેટ પરીક્ષાની તૈયારી ચોથા કે પાંચમા સેમેસ્ટરથી કરતા હોય છે પણ પ્રણવે પ્રથમ સેમેસ્ટરથી તૈયારી શરૂ કરી દીધી છે. સિમેન્સ કંપનીએ પ્રણવને ફેલોશીપ આપી છે. જેમાં દર વર્ષે દસ હજાર અરજી આવે છે તેમાં 300ને સિલેક્ટ કરવામાં આવે છે. તેમાનો એક પ્રણવ છે.