ભૂટાનમાં અચાનક ગ્લેશિયર તૂટતાં અનેક વિસ્તારોમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. આ અસર ભારતના પશ્ચિમ બંગાળ સુધી પહોંચી શકે છે તેવી ચિંતા વચ્ચે, અલીપુરદ્વારના વહીવટીતંત્રે મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. જિલ્લામાં આશરે ૧૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોને શાળાઓ અને રાહત શિબિરોમાં આશરો આપવામાં આવ્યો છે. સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરસેફ) ની ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
અલીપુરદ્વારના પોલીસ અધિક્ષક (એસપી) અમિત કુમાર શાહે જનતાને ગભરાવાની જરૂર નથી તેમ જણાવી ખાતરી આપી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર્સ અને અન્ય એજન્સીઓ પરસ્પર સંકલન સાધીને કામ કરી રહી છે. વહીવટીતંત્ર ભૂટાનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ૪,૦૦૦ થી ૫,૦૦૦ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં શાળાની ઇમારતોનો ઉપયોગ કામચલાઉ આશ્રયસ્થાનો તરીકે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૬,૦૦૦ થી વધુ લોકોને વધુ સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે સૂકું અનાજ, પીવાનું પાણી અને સ્વચ્છતા સુવિધાઓ જેવી આવશ્યક સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે.
પૂરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને સિવિલ ડિફેન્સના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે ટીમો સજ્જ છે. જોકે પોલીસ અધિક્ષકે પાણીના પ્રવાહની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધ્યો છે, તેમ છતાં વહીવટીતંત્રે ઉચ્ચ સ્તરીય સતર્કતા (હાઈ એલર્ટ) જાળવી રાખી છે. સંકોષ નદી અને તેની આસપાસના વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું.
કુમારગ્રામદ્વાર એમ.એસ. હાઈસ્કૂલમાં લગભગ ૮૦૦ લોકો માટે અને કુમારગ્રામ ગર્લ્સ સ્કૂલમાં આશરે ૬૫૦ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મઝેરદાબારી હાઈસ્કૂલમાં લગભગ ૮૫૦ લોકોએ આશરો લીધો હતો. આ ઉપરાંત, કુમારગ્રામ ટી ગાર્ડન (ચાના બગીચા)ની ફેક્ટરીમાં લગભગ ૯૦૦ લોકોને રાખવામાં આવ્યા હતા. અન્ય કેટલીક શાળાઓ અને સામુદાયિક ઈમારતોમાં પણ લોકોને આશરો આપવામાં આવ્યો હતો.
પોલીસ અધિક્ષક અમિત કુમાર શાહે જણાવ્યું હતું કે, આગામી કલાકોમાં સંકોષ નદીના પાણીમાં મૃત માછલીઓ, લાકડાના મોટા ટુકડા અને કોંક્રિટનો કાટમાળ વહીને આવી શકે છે. તેથી, નદીની નજીક રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
આસામ અને બંગાળના ગામડાઓમાં સાયરન દ્વારા ચેતવણી
ભૂટાનના અત્યંત સંવેદનશીલ શિંતાફુ તળાવમાંથી પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાના હોવાના અહેવાલ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં સાયરન સતત વાગી રહ્યા છે. તેથી, ઉત્તર બંગાળમાં સંકોશ નદી અને તેની બધી ઉપનદીઓના કેચમેન્ટ વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.
ભારતે ખાસ એડવાઈઝરી જારી કરી
ભારત દ્વારા જારી કરાયેલી ખાસ સલાહમાં જણાવાયું છે કે પુનત્સાંગછુ નદીના ઉપરના ભાગમાં અચાનક પૂર આવવાથી પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર જિલ્લા અને આસામના ધુબરી જિલ્લામાં પાણીના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે. એડવાઈઝરી મુજબ, ઘટનાના 6-8 કલાકમાં પૂરનું પાણી ભારત-ભૂટાન સરહદ સુધી પહોંચવાની ધારણા છે.
ક્યા વિસ્તારોમાં પૂરનું જોખમ વધુ?
પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર જિલ્લા અને આસામના ધુબરી જિલ્લામાં પાણીનું સ્તર અચાનક વધી શકે છે.દાર્જિલિંગ ટેકરીઓ, અલીપુરદુઆર અને જલપાઇગુરી જિલ્લા સહિત ઉત્તર બંગાળના ઘણા ભાગોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. બંગાળના કૂચ બિહાર જિલ્લાના તુફાનગંજ અને બક્ષિરહાટમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત કરાઈ છે.
૧૮ સ્થળોએ રાહત કેન્દ્રો સ્થાપવામાં આવ્યા
રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કુમારગ્રામ બ્લોકમાં ૧૮ સ્થળોએ રાહત કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. આ સુવિધાઓમાં શાળાઓ, સામુદાયિક ભવનો અને ચાના બગીચાઓ સાથે સંકળાયેલી ઇમારતોનો સમાવેશ થાય છે. સંકોષ નેપાલી લાઇન કોમ્યુનિટી હોલમાં લગભગ ૬૦૦ લોકોને આશરો આપવામાં આવ્યો હતો. ઉત્તર હલ્દીબારી જુનિયર હાઈસ્કૂલમાં આશરે ૮૦૦ લોકો પહોંચ્યા હતા.