રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી દ્વારા ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના બજેટનો 'બ' પણ સાકાર કરવામાં આવ્યો નથી ત્યાં આગામી નવા નાણાંકીય વર્ષ ૨૦૨૬- ૨૦૨૭ના બજેટની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ મહાપાલિકા અને રૂડા બન્નેના બજેટમાં જમીન વેચાણથી આવક દર્શાવાઈ હતી અને ટીપી સ્કિમો અંતર્ગત ઉપલબ્ધ થતી વેંચાણ પાત્ર હેતુની જમીન વેંચાણ અર્થે જ હોય છે પરંતુ રાજકોટ મહાપાલિકા તંત્ર ઇ ઓક્શનથી જમીન વેંચાણ કરી આવક નિર્માણ કરવામાં સફળ રહ્યું છે, જ્યારે રૂડા તંત્રએ ફ્ક્ત બજેટમાં કાગળ ઉપર જમીન વેંચાણ કરવા જોગવાઈ દર્શાવી છે પરંતુ વેંચાણ કરવામાં નિષ્ફળ રહ્યું રહ્યું છે, અલબત્ત કોઇ પ્રયાસ જ કર્યો નથી. અન્યથા મહાપાલિકાની તુલનાએ રૂડા પાસે વેંચાણપાત્ર મોકાની જમીનોની ઉપલબ્ધિ વધુ છે તે સર્વવિદિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બન્ને કચેરીના વહીવટી વડા તેમજ જન સંપર્ક અધિકારી એક જ છે તેમ છતાં મહાપાલિકાના બજેટની સંપૂર્ણ વિગતો વારંવાર જાહેર કરાય છે અને રૂડાની બજેટ સહિતની વિગતો ઉપર ઢાંક પીછોડા કરાય છે તે વાસ્તવિકતા છે. મહાપાલિકાના જનસંપર્ક અધિકારી રૂડામાં ઓએસડી તરીકે પીઆરઓની કામગીરી કરી રહ્યા છે પરંતુ દર બે મહિને મળતી બોર્ડ મિટિંગ અને બજેટ સહિતની વર્ષમાં કુલ ફ્ક્ત સાતેક પ્રેસ રિલીઝ જાહેર જનતાની જાણકારી અર્થે જારી કરાઇ રહી છે.
હિરાસર સેટેલાઇટ ટાઉન પ્રોજેક્ટ બજેટમાં સમાવશે
હિરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવા રાજ્ય સરકારના પ્રોજેક્ટમાં પસંદગી કરાતા આગામી વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના બજેટમાં આ પ્રોજેક્ટ સમાવિષ્ટ કરાશે તેમ રૂડાના વર્તુળોમાંથી જાણવા મળે છે. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ સરકાર આપશે, રૂડાએ પ્લાનિંગ તૈયાર કરી અમલ કરાવવાનો રહેશે.