સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રુપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ એનડીટીવી (નવી દિલ્હી ટેલિવિઝન)ના શેર ખરીદવા માટે ઓપન ઓફર સંબંધિત ગુપ્ત અને ભાવ-સંવેદનશીલ માહિતી તેમના સાળા કુણાલ, નૃપલ શાહ અને સસરા ધનપાલ શાહ સાથે શેર કરી હતી. જે આંતરિક માહિતીના દુરુપયોગના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. ઈટી દ્વારા જોવામાં આવેલા દસ્તાવેજ અનુસાર આ આરોપ ઓગસ્ટ 2022નો છે, જ્યારે અદાણી ગ્રુપે બ્રોડકાસ્ટ કંપની હસ્તગત કરી હતી. દસ્તાવેજ મુજબ, સેબીએ પ્રણવ અદાણી, તેમના સાળા કુણાલ, નૃપલ અને સસરા ધનપાલ શાહને કારણદર્શક નોટિસ ફટકારી છે.
૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજની નોટિસમાં સેબીએ આરોપ લગાવ્યો હતો કે, અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતીના સમયગાળા દરમિયાન કુણાલ, નૃપલ, ધનપાલ શાહ અને પ્રણવ અદાણી વચ્ચે ઘણી ટેલિફોનિક વાતચીત થઈ હતી, જે દર્શાવે છે કે આ વ્યક્તિઓ વચ્ચે સતત સંપર્ક હતો. આ અહેવાલના પ્રકાશન સમયે, સેબી, અદાણી ગ્રુપ, કુણાલ, નૃપલ અને ધનપાલ શાહને ઈટી દ્વારા મોકલવામાં આવેલી ઇ-મેઇલ ક્વેરીઝનો કોઈ જવાબ મળ્યો ન હતો.
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ, સેબીએ પ્રણવ અદાણી અને તેમના સાળા નૃપલ અને કુણાલ શાહ સામે ચાલી રહેલા આંતરિક માહિતીના દુરુપયોગના કેસને ફગાવી દીધો હતો. પુરાવાના અભાવે, સોફ્ટબેંક-સમર્થિત એસબી એનર્જી હોલ્ડિંગ્સના અદાણી ગ્રીન એનર્જીના સંપાદન સંબંધિત એક અલગ કેસમાં આ કાર્યવાહી કરાઈ હતી.
23 ઓગસ્ટ, 2022ના રોજ ઓપન ઓફર મેનેજર, જેએમ ફાઇનાન્શિયલે એનડીટીવી માટે ઓપન ઓફર અંગે જાહેર જાહેરાતની બજાર કલાકો પછી સ્ટોક એક્સચેન્જોને સૂચના આપી હતી. જાહેરાતમાં જણાવાયું હતું કે વિશ્વપ્રધાન કોમર્શિયલ, એએમજી મીડિયા નેટવર્ક્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ સંયુક્ત રીતે જાહેર શેરધારકો પાસેથી એનડીટીવીની શેર મૂડીના 26 ટકા સુધી હસ્તગત કરશે. ઓપન ઓફરમાં રૂ.294 પ્રતિ શેરના ભાવે 16.76 મિલિયન શેર ખરીદવાનો સમાવેશ થતો હતો, જે કુલ રૂ.492.81 કરોડ હતા.
સેબીએ જણાવ્યું હતું કે આ જાહેરાત બજારના દિવસે ટ્રેડિંગ પ્રવૃત્તિ પછી કરવામાં આવી હતી અને તેથી એક્સચેન્જ દ્વારા પ્રસારિત ન થાય ત્યાં સુધી "અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી" માનવામાં આવી હતી. 24 ઓગસ્ટ, 2022ના રોજ જ્યારે ટ્રેડિંગ ફરી શરૂ થયું ત્યારે એનડીટીવીના શેરમાં ઉછાળો આવ્યો. આ શેર અગાઉના બંધ કરતા લગભગ અઢી ટકા ઉપર ખુલ્યા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આશરે પાંચ ટકાના વધારા સાથે દિવસ બંધ થયો.
સેબીએ તેની નોટિસમાં જણાવ્યું હતું કે 23 ઓગસ્ટ, 2022ના રોજની કોર્પોરેટ જાહેરાત, અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી હતી. સેબીએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તે જાહેર થઈ ત્યારે આ માહિતીએ એનડીટીવીના શેરના ભાવને અસર કરી હતી. ત્યારબાદ, નિયમનકારે તપાસ શરૂ કરી હતી કે શું અમુક એન્ટિટીઓએ ભાવ સંવેદનશીલ માહિતી કબજામાં રાખીને એનડીટીવીના શેરમાં વેપાર કર્યો હતો. તપાસનો સમયગાળો બે મે, 2022 થી 15 સપ્ટેમ્બર 2022 સુધીનો હતો, જેમાં અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતીની જાહેરાત પહેલા, દરમિયાન અને પછીના સમયગાળાને આવરી લેવામાં આવ્યો હતો.
સેબીનો આરોપ છે કે કુણાલ શાહે અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતીના સમયગાળા દરમિયાન અનેક વખત એનડીટીવીના શેર ખરીદ્યા હતા. જેમાં જાહેરાત પહેલાના દિવસો અને અઠવાડિયામાં કરવામાં આવેલી ખરીદીનો પણ સમાવેશ થાય છે.