BREAKING NEWS

ભાવનગર લઠ્ઠાકાંડઃ SMCએ મિથેનોલ સપ્લાય કરતા દિલ્હીના ત્રણ શખ્સોને દબોચ્યા

  • August 28, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. નકલી દારૂ બનાવનાર અને વેચનારની આખી સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે એસએમસીની ટીમો દિવસ-રાત કામે લાગી છે, ત્યારે તપાસ એજન્સીને આ મામલે એક મોટી સફળતા મળી છે. ઝેરી દારૂ બનાવવામાં વપરાતું ઘાતક મિથેનોલ દિલ્હીથી અમદાવાદ સુધી સપ્લાય કરનારા ત્રણ મુખ્ય શખ્સોને એસએમસીની ટીમે દિલ્હીથી ઝડપી પાડ્યા છે. દિલ્હી પોલીસની મદદથી આ ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને તેમને ભાવનગર લાવવા માટેની કાયદાકીય તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો વધીને ૩૧ પર પહોંચ્યો છે.

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી ૧૩ લોકોના મોત નીપજ્યા હતા અને ૬૦થી વધુ લોકો આ ઝેરી દારૂનો ભોગ બન્યા હતા. લઠ્ઠાકાંડના પગલે ગેરકાયદે દારૂના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે રાજ્ય સરકારે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી હતી. એસએમસીની ૧૬ જેટલી સ્પેશિયલ ટીમોએ આ કેસના તાર મેળવવા માટે દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સઘન તપાસ આદરી હતી. એસએમસીએ આ કેસમાં અગાઉ ૨૮ આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવાની કડીમાં પોલીસને ત્યારે સફળતા મળી જ્યારે એસએમસીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. તપાસ દરમિયાન પ્રસ્થાપિત થયું કે, દિલ્હીમાં રહેતા પ્રમોદકુમાર બુડાકોટી નામના શખ્સ દ્વારા ઝેરી દારૂ બનાવવા માટેનું મિથેનોલ કેમિકલ ગેરકાયદેસર રીતે દિલ્હીના જ રહેવાસી રોહિત પ્રધાન અને કેશવ જાટવને સપ્લાય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોહિત અને કેશવે અન્ય સહ-આરોપીઓ મારફતે આ ઝેરી મિથેનોલને ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન મારફતે અમદાવાદ સુધી પહોંચાડ્યું હતું. આ નેટવર્ક પકડાતાં જ એસએમસીની ટીમે દિલ્હીમાં દરોડા પાડી પ્રમોદ, રોહિત અને કેશવની ધરપકડ કરી લીધી હતી.

બીજી તરફ, આ સમગ્ર ચકચારી લઠ્ઠાકાંડમાં સ્થાનિક ભાવનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને બેદરકારીને લઈને પણ ગાળિયો કસાય રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી ગગનદીપ ગંભીરે પોતે ભાવનગર એસપી કચેરી ખાતે ધામા નાખીને સ્થાનિક પોલીસ અધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધીના તમામના નિવેદનો નોંધવાની કામગીરી જાતે સંભાળી હતી. છેલ્લા ચારથી પાંચ દિવસ સુધી ચાલેલી આ કડક પૂછપરછ અને નિવેદનો નોંધવાની કામગીરી પૂર્ણ થયા બાદ આઈજીપી ગગનદીપ ગંભીરે દોષિતો સામે આકરા પગલાં લેવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

આઈજીપી ગગનદીપ ગંભીરે જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ કર્મચારીઓને તપાસના કામે વારંવાર ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ભાવનગરમાં જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં નોંધાયેલા તમામ નિવેદનો અને એકત્ર કરાયેલા દસ્તાવેજોનું ઊંડાણપૂર્વક ઝીણવટભર્યું પૃથ્થકરણ ચાલી રહ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે, તપાસ પૂર્ણ થતાં જ જે કોઈ પણ દોષિત જણાશે તેમની સામે આકરી ચાર્જશીટ તૈયાર કરી કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application