રાજકોટના સનાતન સંત સમાજ દ્વારા બુધવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ પરિસરમાં તાજેતરમાં થયેલી ઘટનાને લઈને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંત સમાજે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરી જણાવ્યું હતું કે, સંસદમાં થયેલી કેટલીક ટિપ્પણીઓ અને વિરોધ પ્રદર્શન દરમિયાન સનાતન ધર્મ, ભગવાનના વેશ અને સાધુ-સંતોની પરંપરાનું અપમાન થયું હોવાનું માનવામાં આવે છે, જેના કારણે દેશભરના સનાતન સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભગવાનના ચિત્રો અને વેશભૂષાનું અપમાન થયુ હતું. સંત સમાજે આ ઘટનાને કરોડો હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારી ગણાવી છે. આ સમગ્ર ઘટનાથી અયોધ્યાની શ્રાવણ મેળા અને આશ્રમ વ્યવસ્થાને પણ આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે તેમજ રામજન્મભૂમિ મંદિર સંબંધિત તપાસને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. સનાતન સંત સમાજે પોતાની મુખ્ય માંગણીઓમાં સંબંધિત તમામ નેતાઓ સામે તાત્કાલિક એફ.આઈ.આર નોંધવા, કડક કાનૂની કાર્યવાહી કરવા, સંસદમાંથી તેમને સસ્પેન્ડ કરવા અને શ્રાવણ માસ દરમિયાન આશ્રમો તથા સંત સમાજને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ જવાબદારો પાસેથી કરાવવાની માંગ કરી છે. સંત સમાજે ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી જનઆંદોલન શરૂ કરવામાં આવશે.