BREAKING NEWS

એરપોર્ટ પર 15મી સુધી વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  • January 03, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના યજમાન પદે આગામી તારીખ 11 અને 12ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને લઈને સમગ્ર વિશ્વમાં રાજકોટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આગામી તારીખ 11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ માટે રાજકોટ આવશે. ત્યારે તેમના આગમનને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન સહિત દેશ વિદેશના મહેમાનોના સ્વાગત અને સુરક્ષા માટે આગામી તારીખ 15 જાન્યુઆરી સુધી રાજકોટ એરપોર્ટ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત માટે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી તેમજ સીઆઇએસએફની ટીમો તૈયાર છે.

આ અંગે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનના રાજકોટ પ્રવાસને લઈને રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષા, ટ્રાફિક નિયમન તેમજ કાર્યક્રમ સ્થળ માટે તમામ પ્રકારની વ્યવસ્થા સજ્જડ કરવા માટે આગોતરું આયોજન કરી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમન અંગે એરપોર્ટ ઓથોરિટી નોટિફિકેશન મળ્યા બાદ એરપોર્ટના તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખી આગામી તારીખ 15 જાન્યુઆરી સુધી તમામની રજા રદ કરી દેવામાં આવી છે. તેમજ તમામને હાજર રહેવા માટે સ્પષ્ટ આદેશ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે એરપોર્ટના ટર્મિનલથી, ટેકનીકલ અને ઓપરેશનલ વિભાગોમાં કર્મચારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે.

રાજકોટ એરપોર્ટના તમામ વિભાગો ઓપરેશનલ, સીએનએસ, એચ આર, એટીસી, એકાઉન્ટ તથા સીઆઈએસએફ સહિતના કુલ 600 વધુ કર્મચારીઓ વાઇબ્રન્ટ સમિટને લઈને એલર્ટ મોડ પર આવી ગયા છે. વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીમાં કોઇ ચૂક ના રહી જાય તે માટેની સૂચના તેઓને આપી દેવામાં આવી છે. તેમજ આ દરમિયાન દેશ-વિદેશથી આવતા મહેમાનો સહિત તમામની સુરક્ષા વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને તેઓ આરામદાયક મુસાફરી કરે તેમ જ એરપોર્ટ પર તેમને કોઈ અસુવિધા કે અસુરક્ષાના કારણે સમસ્યા ન થાય તે માટે તકેદારી રાખવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટના કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને લઈને એરપોર્ટ ઓથોરિટીના માર્ગદર્શનમાં મુસાફરોની ઉત્તમ સુવિધા અને સુરક્ષા માટે તમામ વિભાગો અત્યારથી કામે લાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application