BREAKING NEWS

રાજકોટ-અમદાવાદમાં સેહવાગ અને દ્રવિડના પુત્ર ક્રિકટ રમતા જોવા મળશે, અંડર-19 ટીમમાં પસંદગી

  • August 27, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે ઘરઆંગણે રમાનારી વનડે અને મલ્ટી-ડે શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. આ ટીમની પસંદગી બાદ ક્રિકેટ ચાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓ વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્રોને ટીમમાં સ્થાન મળ્યું છે. બીસીસીઆઈના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાએ સત્તાવાર રીતે બંને ટીમોની જાહેરાત કરી હતી. આ શ્રેણીની મેચો રાજકોટ અને અમદાવાદમાં રમાશે.

વનડે શ્રેણી માટે લક્ષ્ય રાયચંદાનીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે યશવર્ધન ચૌહાણને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ ચાર દિવસીય મલ્ટી-ડે શ્રેણીમાં યશવર્ધન ચૌહાણ ટીમનું નેતૃત્વ કરશે અને લક્ષ્ય રાયચંદાની વાઈસ કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે. બંને ખેલાડીઓ પર ટીમને સફળતા અપાવવાની મોટી જવાબદારી રહેશે.

આ શ્રેણીનું ખાસ આકર્ષણ પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ કેપ્ટન તથા ભારતના સફળ હેડ કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની પસંદગી છે. આર્યવીરને વનડે ટીમ ઉપરાંત મલ્ટી-ડે ટીમમાં પણ સ્થાન મળ્યું છે, જ્યારે અન્વય દ્રવિડ વનડે ટીમમાં વિકેટકીપર તરીકે રમશે. બંને યુવા ખેલાડીઓના પ્રદર્શન પર દેશભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.

ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમનો ભારત પ્રવાસ ગુજરાત માટે પણ ખાસ મહત્વનો રહેશે. શ્રેણીની તમામ ત્રણ વનડે મેચો અને પ્રથમ મલ્ટી-ડે મેચ રાજકોટમાં રમાશે, જ્યારે બીજી અને અંતિમ મલ્ટી-ડે મેચ અમદાવાદના 'બી' ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજકોટને સતત ચાર મેચોની યજમાની મળતા સૌરાષ્ટ્રના ક્રિકેટ ચાહકોને આંતરરાષ્ટ્રીય કક્ષાની યુવા ક્રિકેટ સ્પર્ધા નજીકથી જોવાનો મોકો મળશે.

શ્રેણીનું આયોજન 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ વનડે 18 સપ્ટેમ્બરે, બીજી 21 સપ્ટેમ્બરે અને ત્રીજી 23 સપ્ટેમ્બરે રાજકોટમાં સવારે 9 વાગ્યે રમાશે. ત્યારબાદ 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રથમ ચાર દિવસીય મેચ રાજકોટમાં યોજાશે. બીજી મલ્ટી-ડે મેચ 5 થી 8 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના 'બી' ગ્રાઉન્ડ ખાતે સવારે 9:30 વાગ્યે રમાશે.

વનડે ટીમમાં લક્ષ્ય રાયચંદાની, યશવર્ધન ચૌહાણ, રજત બઘેલ, આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટા અને કાવ્યા પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મલ્ટી-ડે ટીમમાં યશવર્ધન ચૌહાણ, લક્ષ્ય રાયચંદાની, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા, અભિપ્રાય બિસ્વાસ, રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા અને આર્યન યાદવને તક આપવામાં આવી છે.

ભારતીય અંડર-19 ટીમ માટે આ શ્રેણી આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને ભવિષ્યના સિનિયર ક્રિકેટ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક મળશે, જ્યારે સેહવાગ અને દ્રવિડના પુત્રો પોતાના પરિવારની ક્રિકેટિંગ પરંપરાને આગળ વધારવા માટે મેદાનમાં ઉતરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application