BREAKING NEWS

જામનગરમાં શ્રાવણી લોકમેળા મામલે કાનૂની જંગ, ઉચ્ચ સત્તાવાળાઓને કોર્ટની નોટિસ

  • August 28, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શ્રાવણી લોકમેળા મામલે કાનૂની જંગ, ઉચ્ચ સત્તાવાળાઓને કોર્ટની નોટિસ

મંજૂરી અને પૂરતી પાર્કિંગ-સુરક્ષા વ્યવસ્થા વગર યોજાનારા મેળા સામે સિવિલ કોર્ટની લાલઆંખ

સરકાર, જિલ્લા મેજિસ્ટ્રેટ, એસપી, કમિશનર સહિતના તમામ પ્રતિવાદીઓને કાલે કોર્ટમાંં હાજર રહેવા હુકમ

જામનગર શહેરના  પ્રદર્શન મેદાન ખાતે આગામી તા. ૦૧-૦૯-૨૦૨૬ થી યોજાનારા લોકમેળા-૨૦૨૬ ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી અને જાહેર સુરક્ષાના ધજાગરા ઉડાવતી પ્રવૃત્તિઓ સામે  પ્રિન્સિપાલ સિવિલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. શહેરના નાગરિક દ્વારા દાખલ કરવામાં આવેલા રેગ્યુલર દીવાની દાવાને અદાલતે ગ્રાહ્ય રાખી, સરકારી ખાતાને આપેલી નોટિસ પિરિયડ તાત્કાલિક માફ કરીને તમામ પ્રતિવાદીઓને ટૂંકી મુદતની કારણ દર્શક નોટિસ  ફટકારી છે કાલે સુનાવણી નિયત કરી છે.

શહેરના નાગરિક કલ્પેશ આશાણીએ એડવોકેટ રેખાબેન રાઠોડ અને જાગૃતિબેન જોગડિયા મારફતે અદાલત સમક્ષ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી છે કે મનપાા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત શ્રાવણી મેળામાં મંજૂરી વિના ગેરકાયદેસર ટેન્ડરિંગ , પ્રદર્શન મેદાન સરકારી માલિકીનું હોઈ, પ્રાંત અધિકારી (શહેર) ના ૧ ઓગસ્ટ ૨૦૨૬ ના પત્ર મુજબ જમીન ફાળવણીની પ્રક્રિયા હજી વહીવટી વિચારણા હેઠળ છે. આમ છતાં, મહાનગરપાલિકાએ કાયદાને નેવે મૂકી ને સત્તાવાર જમીન ફાળવણી પહેલાં જ ૩૧ જુલાઈએ ટેન્ડર બહાર પાડી વેપારીઓ પાસેથી લાખો ‚પિયાની વસૂલાત શરૂ કરી દીધી છે.

મેળો યોજવા માટે લાલ બંગલો થી સાત રસ્તા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવાની સત્તા જામનગર મહાનગરપાલિકા પાસે નથી. મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૧૫ અને ૧૧૭ મુજબ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા વિના અને ટ્રાફિક પોલીસ/કલેક્ટર ની સત્તાવાર મંજૂરી વિના રસ્તાઓ બંધ કરી શકાય નહીં. પ્રદર્શન મેદાન ખાતે લાખોની મેદની માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, જેનાથી કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ ફસાઈ જશે.મેદાનના ૩૦ ટકા ભાગમાં એસ.ટી. બસ ડેપો કાર્યરત છે. બાકીની સાંકડી જગ્યામાં વર્ષ ૨૦૨૪ ની ગુજરાત સરકાર ની કડક રાઇડ્સ સેફ્ટી એસઓપીનું પાલન કરવું અશક્ય છે. નજીકમાં જ જજીસ બંગલો, શાળાઓ અને કોર્ટ આવેલી હોઈ આ આયોજન જામનગર ની જનતા માટે જીવતું જોખમ છે.સિવિલ કોર્ટે કેસની ગંભીરતા જોઈને  તમામ વહીવટી વડાઓને નોટિસ પાઠવી ૨૯ ઓગસ્ટે અદાલતમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.જેમાં  સરકાર ( ગુજરાત રાજ્ય) , જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર), જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર , ચેરમેન(સ્ટેન્ડિંગ કમિટી),  પ્રાંત અધિકારી (શહેર) અને મામલતદાર (શહેર)નો સમાવેશ થાય છે. 

આ કેસમાં વાદી તરફ થી પ્રદર્શન મેદાન પર યોજાનારા મેળા, પ્લોટ ફાળવણી અને ગેરકાયદેસર ટેન્ડર પ્રક્રિયા પર તાત્કાલિક વચગાળાનો મનાઈહુકમ  મેળવવા માંગણી કરાઈ છે. આ લોકમેળો શહેર વિસ્તાર બહાર વિશાળ જગ્યાએ યોજાય અને એસઓપીનુ પાલન કરી શકાય કાલે  શનિવાર આ અંગે અદાલતમાં થનારી દલીલો પર સૌની મીટ મંડાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application