નેપાળ-તિબેટ સરહદ નજીક તિબેટ વિસ્તારમાં ચોચેન નદી અને પુરેપુ ત્સંગપો નદીના સંગમ પાસે કાટમાળ અને પાણી જમા થવાથી બનેલું એક મોટું તળાવ ફાટ્યું છે. તળાવ તૂટ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઝડપથી વધવા લાગતાં નેપાળ અને ચીન બંને તરફ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચીને તળાવ તૂટવાની આશંકા એક દિવસ અગાઉ જ વ્યક્ત કરી હતી.
આ પહેલાં ચીનના જળ સંસાધન મંત્રાલયે ચેતવણી આપી હતી કે ચોચેન અને પુરેપુ ત્સંગપો નદીઓના સંગમ નજીક પાણી, કાટમાળ અને ભૂસ્ખલનથી આવેલા અવશેષો જમા થવાથી એક વિશાળ અવરોધક તળાવ બની ગયું છે. ભારે પાણીના દબાણને કારણે આ તળાવ તૂટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
તળાવ ફાટ્યા બાદ સંભવિત અચાનક પૂરના જોખમને ધ્યાનમાં રાખીને ચીને પણ તિબેટમાં રાહત અને બચાવ કામગીરી રોકી દીધી છે અને લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓ ફરીથી પૂર આવવાની સંભાવનાને લઈને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પૂર અને ભૂસ્ખલનની આ ભયાનક પરિસ્થિતિએ બંને દેશોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. અત્યાર સુધીમાં કુલ 478 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 1,500થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુમ થયેલા લોકોમાં આશરે 290 ભારતીયો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે અને પૂરના પાણી સ્યાબ્રુબેસી સુધી પહોંચી ગયા છે. તંત્રએ ત્રિશૂલી નદીના કિનારે વસતા લોકોને વિશેષ સતર્ક રહેવાની અપીલ કરી છે. બચાવ દળો સંભવિત વધુ પૂર અને ભૂસ્ખલનના જોખમ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરીમાં જોડાયેલા છે
રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે જણાવ્યું કે નેપાળી સેનાએ તેમને તળાવ ફાટવાની માહિતી આપી છે. પરિસ્થિતિ ગંભીર બનતાં રસુવા જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી આશરે 90 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. નદીના પ્રવાહના માર્ગમાં આવતા ગામડાઓને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક લોકો તેમજ સુરક્ષાકર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પહોંચવા સૂચના આપવામાં આવી છે.