BREAKING NEWS

રાજકોટમાં પ્રખ્યાત NCC-દાંડિયાની નવરાત્રી આ વર્ષે નહીં યોજાયઃ ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી

  • August 28, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેલૈયાઓ જે ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તે નવરાત્રી તહેવાર પૂર્વે જ રાજકોટના પ્રખ્યાત એનસીસી દાંડિયા (નીલ્સ સિટી ક્લબ દાંડિયા) તરફથી આંચકારૂપ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાન નીલ્સ સિટી ક્લબ ખાતે 'એનસીસી દાંડિયા'નું આયોજન કરવામાં આવશે નહીં. આ અંગે સત્તાવાર રીતે એનસીસી દાંડિયા-2026 દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.


સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું છે કે, એનસીસી દાંડિયા સ્થળની આસપાસ હાલમાં ચાલી રહેલા બાંધકામના કામકાજને કારણે સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે એનસીસી દાંડિયા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.


ક્લબ મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, તમામ પાસાઓ પર ગંભીરતાથી વિચાર-વિમર્શ કર્યા બાદ તેઓ આ નિર્ણય પર પહોંચ્યા છે. વર્તમાન પરિસ્થિતિઓ એવી છે કે જેમાં ખેલૈયાઓને દર વર્ષે મળતી આરામદાયક સુવિધાઓ અને યાદગાર અનુભવ પૂરો પાડવો શક્ય નથી. પોતાના ખેલૈયાઓની સુવિધા હંમેશાં તેમની પ્રાથમિકતા રહી છે, જેથી આ સુવિધામાં કોઈ ખામી ન રહી જાય તે માટે આ વર્ષનું આયોજન ન કરવાનો કઠિન નિર્ણય લેવાયો છે.


પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે, આ સીઝનમાં ખેલૈયાઓ સાથે નવરાત્રી પર્વની ઉજવણી ન કરી શકવાનો તેમને ઊંડો અફસોસ રહેશે. આ સાથે જ તેમણે વિતેલા વર્ષો દરમિયાન મળેલા અવિરત સહયોગ, લોકોના વિશ્વાસ અને સુંદર યાદો બદલ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જાહેર થતાં જ આ વર્ષે એનસીસી ખાતે ગરબે ઘૂમવાની આશા રાખતા ખેલૈયાઓમાં થોડી નિરાશા જોવા મળી રહી છે.


એનસીસી દાંડિયા એ રાજકોટ અને મોરબી વિસ્તારમાં યોજાતો સૌથી પ્રખ્યાત અને ભવ્ય નવરાત્રી મહોત્સવ છે. એનસીસી દાંડિયા તેના શાનદાર આયોજન, કલ્ચરલ વાઇબ્સ અને કૌટુંબિક વાતાવરણ માટે જાણીતા છે.


એનસીસી દાંડિયા ગરબા પછી અનપ્લગ્ડ મ્યુઝિક પર્ફોર્મન્સની શરૂઆત કરનાર આ પ્રથમ ગ્રાન્ડ ઇવેન્ટ તરીકે પ્રખ્યાત છે. ગરબામાં માત્ર સિંગલ એન્ટ્રીને મંજૂરી હોતી નથી, જેથી મહિલાઓ અને પરિવારો માટે તે અત્યંત સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં પણ જાણીતું છે. એક સાથે 20,000 થી વધુ ખેલૈયાઓ આ ભવ્ય ગ્રાઉન્ડમાં રમી શકે તેવી વ્યવસ્થા હોય છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને લોકલ ફૂડ આઇટમ્સ સાથેનું વિશાળ પ્રીમિયમ ફૂડ કોર્ટ આકર્ષણનું કેન્દ્ર ગણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application