રાજકોટ ભાજપના બે મોટા નેતા વચ્ચે બંધ બારણે સમાધાન થયું, પૂર્વ ધારાસભ્યની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો: ભાજપના વર્તુળોમાં ભારે ચર્ચા
રાજકોટ ભાજપના બે મોટા નેતા વચ્ચે બંધ બારણે સમાધાન થયું, પૂર્વ ધારાસભ્યની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો: ભાજપના વર્તુળોમાં ભારે ચર્ચા
August 28, 2026 03:46 PM
રાજકોટમાં ભાજપના બે મોટા નેતા વચ્ચે લાંબો સમય સુધી અબોલા રહ્યા બાદ તાજેતરમાં બંધ બારણે સમાધાન થઇ ગયાની ચર્ચા છે. એક સમયે જેની ભલામણના ભારથી ભલ ભલા દ્વાર ખુલી જતા તેવા નીતિ નિપુણ નેતા અને દર્દીઓની સાથે સાથે રાજકારણની નાડ પણ બરાબર પારખી ગયેલા નેતા વચ્ચે છેલ્લા ઘણાં સમયથી અણબનાવ હતો પરંતુ હવે મેલજોલ વધી રહ્યો હોવાનું તેમજ અનેક કાર્યક્રમોમાં પણ સાથે ઉપસ્થિત રહેવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
બે દાયકા સુધી રાજકોટ મહાપાલિકાના રાજકારણમાં દબદબો ધરાવનાર અને એક સમયે રાજકોટના સીએમ તરીકે જાણીતા બનેલા નેતાની ૨૦૨૧થી રાજ્ય સરકાર અને પ્રદેશ સંગઠનમાં બદલાયેલા સમીકરણો વચ્ચે પાછીપાની થઇ હતી,તાજેતરમાં યોજાયેલી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી વેળાએ જુના જોગીઓને સક્રિય કરવા પ્રદેશ સંગઠનનો આદેશ આવતા આ નીતિ નિપુણ નેતા સક્રિય થયા હતા અલબત્ત છેલ્લા છ આઠ મહિનામાં યોજાયેલા પક્ષના દરેક કાર્યક્રમોમાં તેમની અચૂક ઉપસ્થિતિ જોવા મળી રહી છે. આ નેતાની સામે તત્કાલિન પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટો હોદ્દો ધરાવતા ઘેલા સોમનાથ દાદાના કૃપાપાત્ર એવા ભાજપના નેતાએ મોરચો માંડ્યો હતો અને બંને વચ્ચે સંબંધો નહીં પરંતુ સંપર્કો પણ સમાપ્ત થઇ ગયા જેવી દૂરી આવી ગઇ હતી. જ્યારે હાલમાં પક્ષમાં મુખ્ય પ્રવાહની કોઇ જવાબદારી નહીં ધરાવતા બન્ને નેતાઓ વચ્ચે પૂર્વ ધારાસભ્યની મધ્યસ્થીથી અમુક મુદ્દે સ્પષ્ટતાઓ થઇ જતા બન્ને વચ્ચેની ગેરસમજો દૂર થતા અંતર ઘટ્યું છે અને તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હવે સાથે જોવા મળી રહ્યા છે. જેના અનુસંધાને ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા છે કે બન્ને નેતાઓ વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે.