BREAKING NEWS

રાજકોટમાં લુખ્ખાઓ બેફામ: દુકાનમાં તોડફોડ કરી, મારમારી ખંડણી પડાવી

  • May 27, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં લુખ્ખા અને માથાભારે તત્ત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઈ નિર્દોષ નાગરિકોને રંજાડી રહ્યા છે, ત્યારે વધુ એક લુખ્ખાગીરીનો બનાવ સામે આવ્યો છે. શહેરના ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક પાન અને ટી સ્ટોલની દુકાને લુખ્ખા શખસે તોડફોડ કરી હતી. બાદમાં દુકાનદારને ધમકાવી "અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે" કહી રૂ. ૧૨૦૦ બળજબરીથી પડાવી લીધા હતા. એટલું જ નહીં, દુકાનદારના ભાણેજને મારમાર્યો હતો. જે અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખસો સામે મારામારી, તોડફોડ અને ખંડણી ઉઘરાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટી શેરી નંબર-૧માં રહેતા જયેશ ઉર્ફે લાલો ઇન્દુભાઇ કવાતર (ઉં.વ. ૩૬) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહિત ઉર્ફે બન્ની સુરેશભાઈ પરમાર, અજય કિરીટભાઈ ગોહેલ, હિતેન ઉર્ફે ડબ્બો કિરીટભાઈ ગોહેલ અને સુજલ સંજયભાઈ બથવારના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક સરવૈયા હોલમાં 'મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ' નામની દુકાન આવેલી છે, જે દુકાનમાં તેમનો ભાણેજ કિશન રઘાભાઈ ડાભી (રહે. પાંજરાપોળ) કામ કરે છે.


ગત તારીખ ૨૪-૫ના રાત્રિના ૧૧:૦૦ વાગ્યે યુવાન એસ.ટી. ડેપોની બાજુમાં મેલડી માતાજીના મંદિરે માંડવાના કામકાજમાં હતો, તે દરમિયાન ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દુકાને મોહિત ઉર્ફે બન્ની પરમાર આવ્યો છે અને મારી સાથે બોલાચાલી-ઝઘડો કરી દુકાનમાં તોડફોડ કરે છે. જેથી યુવાન તરત જ દુકાને પહોંચ્યો હતો. ત્યારે મોહિત ત્યાં હાજર ન હોય, તેણે ભાણેજ કિશનને પૂછતાં કિશને કહ્યું હતું કે, "હું અહીં દુકાને હતો ત્યારે મોહિતે મારી સાથે બોલાચાલી કરી, ગાળો આપી, ઝપાઝપી કરી હતી તેમજ દુકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને મને કહ્યું હતું કે તમારે અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે."


બાદમાં રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ મોહિતનો યુવાન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આંબેડકર નગર શેરી નંબર-૧૩ના ખૂણે પાનની દુકાને આપણે બધા મળીને સમાધાન કરી લઈએ. જેથી યુવાન, તેનો ભાણેજ કિશન અને બાજુમાં આવેલી ડિલક્સ પાનવાળા અર્જુનભાઈ ડાંગર ત્રણેય ત્યાં ગયા હતા. ત્યારે ત્યાં મોહિત, અજય, હિતેન અને સુજલ હાજર હતા. તે દરમિયાન મોહિતે કહ્યું હતું કે, તું મને ૧૨૦૦ રૂપિયા આપ. જેથી યુવાને કહ્યું હતું કે, મારી પાસે રોકડા રૂપિયા નથી. આ સાંભળી મોહિતે કહ્યું હતું કે, હું અગાઉ પણ મર્ડરના કેસમાં જેલમાં ગયો છું અને તારું પણ મર્ડર કરતાં મને વાર નહીં લાગે, જેથી તું મને રૂપિયા આપ. આથી ડરી જઈને યુવાને રૂ.૧૨૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આ શખ્સોએ યુવાનના ભાણેજ કિશનને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવાન તથા તેનો મિત્ર વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ માર માર્યો હતો અને કહ્યું હતું કે, જો તમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જશો તો હું તમને જાનથી મારી નાખીશ. જેથી ડર લાગતાં જે-તે સમયે ફરિયાદ કરી ન હતી.


બાદમાં તારીખ ૨૫-૫ના બપોરના દોઢેક વાગ્યે કિશન દુકાને હતો ત્યારે મોહિત ઉર્ફે બની ફરી અહીં આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. જેથી બાદમાં આ બાબતે યુવાને આ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં થોરાળા પોલીસે આરોપીઓ સામે બીએનએસ (BNS)ની કલમ ૩૦૮(૫), ૩૨૪(૨), ૩૫૧(૩), ૩૫૨, ૧૧૫(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application