દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાંથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમજ દેશભરમાં જન્મદિવસને લઈ ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર સહિતનાઓએ પીએમ મોદીને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. દેશભરમાં નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. છેલ્લા 25 વર્ષમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન તમે સુશાસનના ઘણા નવા ધોરણો સ્થાપિત કર્યા છે અને સમાવેશી વિકાસને અભૂતપૂર્વ ગતિ અને નવી દિશા આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અથાક મહેનત, બલિદાન અને દૂરંદેશીના પ્રતિક એવા વડા પ્રધાન મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. કાર્યને આધ્યાત્મિક સાધના અને રાષ્ટ્ર સેવાને પોતાના જીવનનું મિશન બનાવનાર મોદીનું જીવન તપસ્યા, બલિદાન અને અટલ સંકલ્પની ગાથા છે. સેવા અને સમર્પણથી ભરેલી તેમની યાત્રા લાખો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડા પ્રધાન મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે એક્સ પર લખ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત 'વિકસિત ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યું છે. ભૌતિક માળખાથી લઈને ડિજિટલ કનેક્ટિવિટી સુધી, ગરીબોના કલ્યાણથી લઈને નવીનતા અને ઉદ્યોગસાહસિકતા સુધી, આપણે દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક અને નોંધપાત્ર પ્રગતિ કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, દિલ્હીને સતત તમારો સ્નેહ અને માર્ગદર્શન મળ્યું છે. તમારા નેતૃત્વમાં, આજે રાજધાની નવી ગતિ, નવી તાકાત અને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. શહેરનો ચહેરો બદલાઈ રહ્યો છે અને તેની સાથે, લોકોના જીવનમાં નવી સુવિધાઓ, નવી તકો અને નવી આશાઓ ઉમેરવામાં આવી રહી છે. પછી ભલે તે આપણી બહેનો હોય, આપણા યુવાન મિત્રો હોય, આપણા કામ કરતા પરિવારો હોય, આપણા વરિષ્ઠ નાગરિકો હોય કે ભવિષ્ય માટે સપના જોતા આપણા બાળકો હોય, દરેક વ્યક્તિનું જીવન વિકસિત દિલ્હી તરફની યાત્રાના કેન્દ્રમાં છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદીને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સફળતા, સારા સ્વાસ્થ્ય અને તેમના દેશવાસીઓની સેવામાં લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવવામાં રાષ્ટ્ર અને વિશ્વ સાથે જોડાઓ. તમે તમારા વિચારો અને સિદ્ધિઓથી વિશ્વભરના લોકોને પ્રેરણા આપતા રહો છો.
બોલીવૂડ એક્ટર અક્ષય કુમારે શુભેચ્છા પાઠવી
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, આજે આપણા પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે અને આ દિવસ સેવા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે જન્મદિવસની ઉજવણી કરવાનો આનાથી સુંદર કોઈ રસ્તો ન હોઈ શકે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અને યુવરાજસિંહ શું લખ્યું?
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, પીએમ મોદીને તેમના 76મા જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. તમારું નેતૃત્વ ભારતને એક મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય આપી રહ્યું છે.
એફિલ ટાવર પર ભાજપના નેતાઓ કેક કાપશે
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે પેરિસના એફિલ ટાવર પર ભાજપના નેતાઓ કેક કાપશે. પ્રતીક સિંહ જાનુ પણ આવી પહોંચ્યા છે. રેતી કલાકાર સુદર્શન પટનાયકે પીએમ મોદીનું રેતીનું શિલ્પ બનાવ્યું છે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.