ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક જાહેરમાં પાંજરામાં પૂરીને મરઘીના નાનકડા બચ્ચાંનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
ઉત્તર પ્રદેશ રાજ્યના રહીશ એવા માતલુંબ નામના વ્યક્તિ દ્વારા મરઘીના બચ્ચાંનું વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ પર પાંજરામાં રાખવામાં આવેલા ૧૪૦થી વધુ નાનકડા બચ્ચાં જોવા મળ્યા હતા. કેટલાક બચ્ચાંને રંગબેરંગી કલર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે પૂછપરછ કરી બચ્ચાંને વેચાણમાંથી લઈ લેવામાં આવ્યા હતા. આ તમામ બચ્ચાંને સુરક્ષાના હેતુસર એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બળદ આશ્રમ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. સંબંધિત વ્યક્તિને ભવિષ્યમાં આ પ્રકારના નાનકડા જીવને પાંજરામાં પૂરીને જાહેરમાં વેચાણ ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, મુદ્દો માત્ર રૂ. ૨૦માં બચ્ચાંના વેચાણનો નથી, પરંતુ જીવંત પ્રાણીઓને જાહેરમાં પાંજરામાં પૂરીને વેચાણ કરવું અને તેમની સાથે રંગરોગાન કરી રમકડાં જેવો વ્યવહાર કરવો તે ગંભીર બાબત છે. અબોલ જીવ કોઈ વસ્તુ નથી કે જેની કિંમત લગાવીને વેચાણ કરવામાં આવે. દરેક જીવ પ્રત્યે જીવદયા, સંવેદના અને માનવતા હોવી જરૂરી છે. અબોલ જીવોની સુરક્ષા અને જીવદયાના સંદેશ સાથે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, આવા બચ્ચાં કે અન્ય અબોલ જીવોનું જાહેરમાં વેચાણ કે ત્રાસ જોવા મળે તો જવાબદાર તંત્રને જાણ કરી તેમની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ.