BREAKING NEWS

રાજકોટમાં કાલાવડ રોડ પર હત્યાથી ચકચાર, 55 વર્ષની મહિલાને તીક્ષ્ણ હથિયાર ઘા મારી પતાવી દીધી

  • September 17, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટ પાછળના વિસ્તારમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં ગીતાબેન કિશોરભાઈ વાજા (ઉં.વ. 50) નામની મહિલાની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી છે. આ ગોઝારી ઘટનાના પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.


ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી (LCB) તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


આ અંગે સ્થાનિક પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં કાલાવડ રોડ પર મટુકી હોટલની પાછળ આવેલા એક મકાનમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જે લોહીલુહાણ હાલતમાં હતો. પોલીસને ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતક મહિલાનું નામ ગીતાબેન વાજા (ઉંમર વર્ષ 55) હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મામલે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે કારણ કે આ બનાવ વહેલી સવારનો હોવાની શંકા છે. ઘટનાસ્થળની મુલાકાત લઈને પૂરતી તપાસ કરવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી તથા ફરિયાદ નોંધીને હત્યારાઓને પકડી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આ ગુના પાછળના વાસ્તવિક કારણો અને આરોપીઓ સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદ પણ લેવાનું શરૂ કરી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application