BREAKING NEWS

અમદાવાદમાં નવરાત્રીને લઈ ફાયર વિભાગ દ્વારા 30 મુદ્દાની કડક ફાયર સેફ્ટી ગાઈડલાઈન જાહેર

  • September 17, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન એરકન્ડિશન્ડ ડોમ ધરાવતા પ્રીમિયમ અને મિડ-લેવલ પાર્ટી પ્લોટ્સની સંખ્યામાં ગત વર્ષના ૫૦ની સરખામણીએ આ વર્ષે ૬૦થી વધુનો નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા છે. આ બાબત ધ્યાને આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા એક વિસ્તૃત જાહેરનામું તૈયાર કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. શહેરમાં એસજી હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટા પાયે ક્લોઝ્ડ સ્ટ્રક્ચર (ડોમ) ઊભા કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આથી, ખેલૈયાઓ અને નાગરિકોની સલામતી સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગે પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ અંગે 30 કડક શરતો નક્કી કરી છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓ અને નાગરિકોની જાહેર સલામતી જળવાઈ રહે અને આગ કે અકસ્માત જેવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા તમામ ગરબા આયોજકો માટે ૩૦ મુદ્દાની કડક ફાયર સેફ્ટી તૈયાર કરવામાં આવી છે, જેને લઈને આવનારા દિવસોમાં નોટિસ બહાર પાડવામાં આવશે. નિર્ધારિત ગાઇડલાઇન્સ મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા અનુસાર જ ખેલૈયાઓને પ્રવેશ આપવાનો રહેશે, જેમાં વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક સ્ક્વેર મીટર જગ્યા ફાળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, પંડાલમાં પરસ્પર સામે દિશામાં ઓછામાં ઓછા બે 'ઇમરજન્સી એક્ઝિટ' રાખવા સહિતના કડક નિયમોનું પાલન કરવું પડશે.


ફાયર અધિકારીના જણાવ્યા મુજબ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટેજ બનાવતી વખતે સ્કૂલ, હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી પૂરતું અંતર રાખવું પડશે જેથી કોઈપણ આપાતસ્થિતિમાં ફાયર ફાઇટર વાહનો સરળતાથી ઘટનાસ્થળે આવી શકે. ભઠ્ઠી, સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર કે હાઇટેન્શન અથવા રેલવે લાઇન નીચે કે તેની નજીક મંડપ બાંધી શકાશે નહીં. તેમજ વિવિધ સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓધું બે મીટરનું અંતર હોવું અનિવાર્ય છે. પંડાલની અંદર કોઈ ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં અને બહાર નીકળવાનો રસ્તો અર્થાત્ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ૧૫ મીટરથી વધુ ન હોવો જોઈએ. બેઠક વ્યવસ્થા ગોઠવતી વખતે પણ સીટની ૧૦-૧૦ બેઠક પછી ઓછામાં ઓછી ૧.૫ મીટર પહોળાઈનો પેસેજ ખુલ્લો રાખવો પડશે.


મંડપમાં વીજ સલામતી જાળવવા માટે ઇલેક્ટ્રિક વાયરિંગ ભારતીય વીજળી અધિનિયમ મુજબ સરકારી માન્ય ઇજનેર પાસે અગાઉથી ચકાસણી કરાવી તેનો સત્તાવાર ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. પંડાલમાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ ફરજિયાતપણે એ.સી. અથવા જી.આઈ. શીટના બનેલા હોવા જોઈએ. આ ઉપરાંત, મંડપમાં વપરાતા પડદા અને કાર્પેટ ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટથી સજ્જ હોવા જોઈએ જેથી આગ ઝડપથી ન ફેલાય. જો પંડાલની અંદર મોશન ફિલ્મ બતાવવાની મોટી સ્ક્રીન લગાવવામાં આવે તો તેના પર સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવી પડશે.


પ્રત્યેક ૧૦૦ ચો.મી. વિસ્તાર દીઠ બે નંગ એબીસી ફાયર એક્સ્ટિંગ્વિશર (૬ કિગ્રા ક્ષમતા), બે નંગ સીઓટુ ફાયર એક્સ્ટિંગ્વિશર (૪.૫ કિગ્રા ક્ષમતા), ૨૦૦ લીટર પાણી ભરેલું ઢાંકેલું ડ્રમ અને રેતી ભરેલી બે ડોલ ફરજિયાત ઉપલબ્ધ રાખવાની રહેશે. ફ્લોર એરિયાના ૦.૩૫ લીટર/સ્ક્વેર મીટર કરતાં ઓછો ન હોવો જોઈએ. ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવી શકે તેવા જાણકાર અને પ્રશિક્ષિત સ્વયંસેવકોને સમગ્ર ગરબા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવા પડશે. માતાજીની મૂર્તિ પાસે પ્રગટાવવામાં આવતા દીવા નીચે અચૂક રેતી રાખવાની રહેશે અને ત્યાં ઓછામાં ઓછા એક સ્વયંસેવક સતત હાજર રહેશે. આપાતકાલીન સ્થિતિમાં સૂચના આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી અનિવાર્ય છે, તથા ઓટો ગ્લો મટીરિયલમાં નો સ્મોકિંગ ઝોન, એક્ઝિટ અને ઈમરજન્સી એક્ઝિટના બોર્ડ લગાવવા પડશે. ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના લાયસન્સ-એનઓસી મેળવવાના રહેશે તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ અને નેશનલ બિલ્ડિંગ કોડ પાર્ટ-ચાર મુજબ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application