BREAKING NEWS

રાજકોટના 'વિરાસતથી વિકાસ - ૨૦૨૬' લોકમેળામાં મહિલા સશક્તિકરણને વેગ આપવા 'શ્રાવણ ઉત્સવ'નું આયોજન

  • September 01, 2026 11:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'વિરાસતથી વિકાસ - 2026' લોકમેળાના પરિસરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી 'શ્રાવણ ઉત્સવ' મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન હાથ ધરાયું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન સ્વસહાય જૂથોની મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા અને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે.

આ 'શ્રાવણ ઉત્સવ' મેળો તા. 02 થી 06 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. જેનું વિધિવત ઉદ્ઘાટન તા. 02 સપ્ટેમ્બરના રોજ સાંજે 04:30 કલાકે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા ખાસ ઉપસ્થિત રહેશે.


ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના મેયર શ્રી ડો. નેહલભાઈ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા તેમજ સ્થાનિક ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ભાનુબેન બાબરીયા અને શ્રી જયેશભાઈ રાદડીયા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.


​​​​​​​મેળામાં વિવિધ ગ્રામીણ સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકળા, ગૃહઉદ્યોગ, સુશોભનની સામગ્રી તેમજ પરંપરાગત વાનગીઓના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રાજકોટના નાગરિકો અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓને આ મેળાની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application