ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં જીત બાદ રોહિત શર્માના એક મહત્વપૂર્ણ રન આઉટની ભારે પ્રશંસા કરી છે. ગિલનું માનવું છે કે રોહિત શર્માના તે રન આઉટે જ આખી મેચની ક્ષમતા અને દિશા બદલી નાખી હતી. ઓકલેન્ડમાં રમાયેલી આ પ્રથમ વનડે મેચમાં ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની આખી ટીમને માત્ર 185 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
જોકે, આ મેચમાં રોહિત શર્મા બેટથી કોઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા અને શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. પરંતુ પ્રથમ ઇનિંગ દરમિયાન તેમણે ન્યૂઝીલેન્ડના ખતરનાક બેટ્સમેન ડેરીલ મિચેલને રન આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મિચેલનો ભારત સામે વનડેમાં દબદબો રહ્યો છે અને આ મેચ પહેલા તેમની સરેરાશ 70 થી વધુની હતી. તેમણે ભારત સામે અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે. રોહિતના અદભુત રન આઉટના કારણે ગ્લેન ફિલિપ્સ અને મિચેલ વચ્ચેની મજબૂત ભાગીદારી તૂટી ગઈ હતી.
શુભમન ગિલે કર્યા રોહિત શર્માના વખાણ
મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશનમાં વાત કરતા ભારતીય કેપ્ટને બોલરો અને રોહિત શર્માની પ્રશંસા કરતા કહ્યું, "અમારી બોલિંગ અને ફિલ્ડિંગ ખૂબ જ ઉત્કૃષ્ટ રહી હતી. રોહિત ભાઈના તે રન આઉટે મેચનું પૂરૂ મોમેન્ટમ બદલી નાખ્યું. મિચેલ અને ફિલિપ્સ વચ્ચે સારી પાર્ટનરશિપ બની રહી હતી. ટીમનું આ એક શ્રેષ્ઠ પ્રદર્શન છે."
ગિલે બોલરો અંગે વધુમાં ઉમેર્યું કે, "અંશુલ કાંબોજ એક એવો બોલર છે જે દરેક પરિસ્થિતિમાં બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે અમને લાગ્યું કે પીચમાંથી મદદ નથી મળી રહી, ત્યારે અમે ગુરનૂર બ્રારને બોલિંગ આપી કારણ કે તેઓ વધારાનો બાઉન્સ મેળવી શકે છે."
ભારતે આસાનીથી મેળવી જીત
ઓકલેન્ડ ખાતે રમાયેલી આ મેચમાં કીવી ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી ન હતી અને 185 રનમાં સમેટાઈ ગઈ હતી. અંતમાં બ્લેયર ટિકનરે કેટલાક મોટા શોટ્સ રમીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે 4, ગુરનૂર બ્રારે 3 અને અંશુલ કાંબોજે 2 વિકેટ ઝડપી હતી. જીતવા માટેના 186 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે 22.4 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ 74 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી.