સોના અને ચાંદીના ભાવમાં સતત જોવા મળી રહેલી વધઘટ વચ્ચે આજે કિંમતી ધાતુઓના બજારમાં ફરી મોટો કડાકો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર બજાર ખૂલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૮૫૨૮નો ઘટાડો નોંધાયો હતો અને ભાવ 1,75,251ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. ૨૩૨૩સસ્તું થયું હતું અને રૂ. 1,37,863ના સ્તરે પહોંચ્યું હતું.
અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી આવી હતી અને પ્રતિ કિલો કિંમત રૂ.1.83 લાખને પાર પહોંચી હતી. એમસીએક્સ પર ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ.1,83,779 હતો. જોકે, આજે બજાર ખૂલતાની સાથે જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.4,429નો ઘટાડો નોંધાયો હતો.
આ ઘટાડા સાથે ચાંદીનો ભાવ ફરી રૂ.1.80 લાખની સપાટીથી નીચે સરકી ગયો હતો. ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં આવી રહેલી મોટી વધઘટને કારણે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ગ્રાહકો ચાંદીની ખરીદી કરવાનું આયોજન કરી રહ્યા છે તેઓ પણ હવે ભાવની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ચાંદીના વર્તમાન ભાવની સરખામણી તેના અગાઉના ઐતિહાસિક રેકોર્ડ સાથે કરવામાં આવે તો તેમાં મોટો ઘટાડો જોવા મળે છે. 29 જાન્યુઆરી, 2026ના રોજ ચાંદીએ ઐતિહાસિક તેજી નોંધાવી હતી અને પ્રતિ કિલો રૂ.4,20,048ના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ ભાવ ચાંદીના અત્યાર સુધીના ઓલટાઈમ હાઈ તરીકે નોંધાયો હતો.
જોકે, ત્યારબાદ બજારમાં આવેલી મોટી વધઘટ અને ભાવમાં થયેલા ઘટાડાને કારણે ચાંદી હવે તેના સર્વોચ્ચ સ્તર કરતાં આશરે રૂ.2.40 લાખ સસ્તી મળી રહી છે. એક સમયે રેકોર્ડ સ્તરે પહોંચેલી ચાંદીમાં આટલો મોટો ઘટાડો રોકાણકારો માટે પણ ધ્યાન ખેંચનારો બન્યો છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર 4 ડિસેમ્બરની એક્સપાયરી ધરાવતા 24 કેરેટ સોનાના વાયદાના ભાવમાં ઘટાડો થતાં પ્રતિ 10 ગ્રામ કિંમત રૂ. 1,37,863 ઉપર આવી ગઈ હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ.1,40,186ના ભાવે બંધ થયું હતું.
આમ, બજાર ખૂલતાની સાથે જ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,386નો ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવમાં આવેલી આ નરમાઈથી સોનાના દાગીના ખરીદવાનું આયોજન કરતા ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે
સોના-ચાંદીના ભાવમાં એક દિવસની તેજી બાદ બીજા જ દિવસે મોટો ઘટાડો નોંધાતા બુલિયન માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે. વૈશ્વિક બજારની સ્થિતિ, રોકાણકારોની લેવડદેવડ અને બજારમાં ખરીદ-વેચાણના વલણની અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડતી હોય છે.