રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ-બહેનના પ્રેમની એક અનોખી અને ભાવુક કહાની સામે આવી છે. અંકલેશ્વરના હાજત ગામની 25 વર્ષીય નિધિ પટેલે ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક આવેલા અસારમા ગામે જઈ 25 વર્ષીય રવિરાજ મહિડાના હાથ પર રાખડી બાંધી હતી. રવિરાજના હૃદયમાં નિધિના દિવંગત ભાઈ શૈશવ પટેલનું હૃદય ધડકે છે.
શૈશવ પટેલ મિકેનિકલ એન્જિનિયર હતા અને ભરૂચની એક ફેક્ટરીમાં નોકરી સાથે પરિવારને ખેતીકામમાં પણ મદદ કરતા હતા. માર્ચ 2023માં થયેલા એક ગંભીર અકસ્માત બાદ તેમને પ્રથમ અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ હતો. જોકે, અંગદાન સંસ્થા ડોનેટ લાઇફના માધ્યમથી પરિવારને સમજાયું કે શૈશવના અંગો અન્ય લોકોને નવું જીવન આપી શકે છે. નિધિએ માતા-પિતાને અંગદાન માટે સમજાવ્યા. પરિવારની સંમતિ બાદ શૈશવના અંગોનું દાન કરવામાં આવ્યું.
થોડા સમય બાદ પટેલ પરિવારને એક સગા મારફતે જાણવા મળ્યું કે શૈશવનું હૃદય રવિરાજ મહિડામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ત્યારથી બંને પરિવારો વચ્ચેનો સંબંધ માત્ર અંગદાન પૂરતો ન રહ્યો, પરંતુ ધીમે ધીમે એક પરિવાર જેવો બની ગયો.
નિધિ દર વર્ષે રક્ષાબંધનના દિવસે રવિરાજને રાખડી બાંધે છે. નિધિ કહે છે કે, રવિના માતા-પિતાને હું ફોન કરું છું. તેઓ મને પોતાની દીકરી માને છે. રવિને રાખડી બાંધતી વખતે મને થોડી શાંતિ મળે છે કે કોઈ રીતે મારો ભાઈ હજુ પણ જીવંત છે.
રવિરાજ માટે પણ આ સંબંધ અત્યંત લાગણીસભર છે. તેમણે કહ્યું કે, શૈશવનું હૃદય મારી અંદર ધડકે છે. નિધિએ બાંધેલી આ રાખડી માત્ર મારા હાથ પર નહીં, પરંતુ બે પરિવારોના હૃદય પર બંધાઈ છે. શૈશવે મને નવું જીવન આપ્યું અને સાથે નિધિના રૂપમાં એક બહેન પણ આપી.
ડોનેટ લાઇફ’ના સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું કે અંગદાન માત્ર જીવન બચાવતું નથી, પરંતુ અજાણ્યા લોકો વચ્ચે પણ લોહીના સંબંધથી વધુ ગાઢ માનવીય સંબંધો બનાવી શકે છે.
આ રક્ષાબંધને શૈશવનું હૃદય એક તરફ ધડકતું રહ્યું અને બીજી તરફ તેની બહેન નિધિએ એ જ હૃદય ધરાવતા રવિરાજના હાથ પર રાખડી બાંધીને ભાઈ-બહેનના સંબંધને નવી ઓળખ આપી.