જામનગર તા.૦૧ ડિસેમ્બર, ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૧/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલા સુધારા કાર્યક્રમ અનુસાર મતદારો આગામી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. આ સમયગાળામાં નવા નામ ઉમેરવા માટે ફોર્મ નં. ૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નં. ૭ અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરવા માટે ફોર્મ નં. ૮ ભરી શકાશે. (તાર્કિક વિસંગતતા) ધરાવતા મતદારો પણ આ સમય દરમિયાન પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે.
આ કાર્યક્રમને વધુ વેગવંતો બનાવવા માટે આગામી તા. ૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને તા. ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર) ના રોજ જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બંને દિવસો દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર (ઇકઘ) પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો રૂબરૂ જઈને ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરી શકશે તેમજ નો મેપિંગ અને વિસંગતતા ધરાવતા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
મતદારોની સુવિધા માટે ચૂંટણી આયોગ દ્વારા ઓનલાઇન પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ શોધવા માટે નાગરિકો વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.