BREAKING NEWS

રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં શહેર અને ગ્રામ્ય એમ બે DEO કચેરી બનશે; અમદાવાદ શહેર, અંજાર-ભૂજમાં કચેરીનું વિભાજન

  • November 20, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નવી છ ડીઈઓ કચેરીને મંજૂરી આપી છે. જેમાં રાજકોટ,  સુરત, ગાંધીનગર અને વડોદરામાં શહેર અને ગ્રામ્ય એમ બે ડીઈઓ કચેરી બનશે. જ્યારે અમદાવાદ શહેર અને અંજાર-ભૂજમાં ડીઈઓ કચેરીનું વિભાજન થશે. 


અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ-ભુજમાં પશ્ચિમ ડીઈઓ કચેરીને મંજૂરી આપવામાં આવી છે.


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 17 નવેમ્બર 2025ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં છ નવી જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઉભી કરી છે. આ નવી કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-1)ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-2, 3 અને 4 ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.


રાજકોટ (ગ્રામ્ય)ની નવી કચેરી જૂના વઢવાણનો ઉતારો, કસ્તુરબા માર્ગ, જિલ્લા બેન્કની સામે કાર્યરત થશે. અંજાર (કચ્છ)માં શેઠ ડી.વી. સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સવાસરા નાકા બહાર ખાતે નવી કચેરી કાર્યરત થશે. અમદાવાદ શહેર (પૂર્વ)માં બ્લોક નં. બી, બહુમાળી ભવન, હિમાલયા મોલની સામે, વસ્ત્રાપુર ખાતે નવી કચેરી કાર્યરત થશે. વડોદરા (ગ્રામ્ય) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રીજો માળ, કારેલીબાગ ખાતે નવી કચેરી કાર્યરત થશે. ગાંધીનગર (ગ્રામ્ય): શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર, સેક્ટર-7 ખાતે નવી કચેરી શરૂ થશે અને 
સુરત (ગ્રામ્ય)ની કચેરી બ્લોક-એ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઇન્સ ખાતે કાર્યરત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application