ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં હતી. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. મુખ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને સૌ દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાની જન્મભૂમિમાં આ ઉજવણી કરવાનો અવસર મળ્યો તેને મુખ્યમંત્રીએ ગૌરવરૂપ ગણાવ્યો હતો.
મુખ્ય સમારોહ દરમિયાન ગુજરાત પોલીસના શિસ્તબદ્ધ જવાનો દ્વારા શાનદાર પરેડ યોજવામાં આવી હતી, જે ઉપસ્થિત નાગરિકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાથે ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા રોમાંચક 'રાઇફલ ડ્રીલ'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો, બાઈક સ્ટંટ શો, ડોગ-શો, 'માઉન્ટેન અશ્વ-શો', 'ટેન્ટ પેગીંગ'ના કરતબો તેમજ શારીરિક અને માનસિક સુખાકારી દર્શાવતા યોગના વિવિધ આયામો રજૂ કરવામાં આવ્યા હતા.
પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિરાસતના જતન સાથે વિકાસનો નવો માર્ગ આપણે અપનાવ્યો છે અને ગુજરાતના લોકો જ્યારે એકસાથે જોડાઈને કામ કરે છે ત્યારે કંઈ પણ અશક્ય નથી રહેતું. આ પ્રસંગે તેમણે મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળના લોકોને સરકાર વિના મૂલ્યે રહેણાંક પ્લોટ ફાળવશે. સાથે જ, ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છતા હોનહાર યુવાનોની પડખે પણ રાજ્ય સરકાર મજબૂતીથી ઉભી રહેશે તેવી ખાતરી આપી હતી.
આ રાજ્યકક્ષાના મહોત્સવનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા સરકારી વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ હતી. કાર્યક્રમમાં રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા, રાજ્યના ડીજીપી જી.એસ. મલિક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીવાસીઓએ પૂર્ણ ઉત્સાહ અને ગૌરવ સાથે આ રાજ્યકક્ષાના આયોજનને નિહાળીને દેશભક્તિનો અનોખો મોહાલ સર્જ્યો હતો.
અન્ય શહેરોમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને પૂર્ણ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. સાથે જ આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના વીરોના યોગદાનને આદરપૂર્વક યાદ કર્યું હતું. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંગઠન મહામંત્રીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.