રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનસહાયક ભરતીના હાલના નિયમોમાં જરૂરી સુધારા કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્નસિંહ જાડેજાને પત્ર પાઠવી રજૂઆત કરી છે. મહાસંઘે જણાવ્યું છે કે, કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે ચાલુ રહે તે માટે ભરતી પ્રક્રિયામાં વ્યવહારુ ફેરફારો કરવાની જરૂર છે.
પત્રમાં જણાવાયું છે કે, હાલ જ્ઞાનસહાયક તરીકે નિમણૂક માટે ટેટ–૧ અથવા ટેટ-૨ પાસ હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. જોકે રાજ્યમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સરખામણીએ ટેટ પાસ ઉમેદવારોની સંખ્યા ઓછી હોવાથી અનેક જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે, જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. મહાસંઘે સૂચન કર્યું છે કે, જ્યાં પ્રથમ તબક્કામાં ટેટ–૧ પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં ટેટ–૨ પાસ ઉમેદવારોને તક આપવામાં આવે. ત્યારબાદ પણ જગ્યાઓ ખાલી રહે તો પીટીસી, બીએ બીએડ, બીએસસી બીએડ અને એમએ બીએડ સહિતની જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જ્ઞાનસહાયક તરીકે ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવે. આ ઉપરાંત તમામ પ્રક્રિયા બાદ પણ યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સ્તરે જ્ઞાનસહાયકોની ભરતી કરવાની મંજૂરી આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. મહાસંઘનું કહેવું છે કે, આ પ્રકારની વ્યવસ્થા અમલમાં આવશે તો શિક્ષકોના અભાવે કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખોરવાશે નહીં. વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સરકાર તાત્કાલિક ભરતીના નિયમોમાં જરૂરી સુધારા કરે તેવી માંગ પણ પત્રમાં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application