BREAKING NEWS

ચૂંટણી કમિશનરોને આજીવન કાનૂની મુક્તિ કેમ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

  • November 04, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય નિર્વાચન આયુક્ત (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરોને તેમની સત્તાવાર ફરજો માટે સિવિલ અને ફોજદારી કેસોમાંથી આજીવન મુક્તિ (Legal Immunity) આપતા કાયદાની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.


કલમ 16 ને લઈને અપાયો પડકાર

આ કાનૂની પડકાર 'મુખ્ય નિર્વાચન આયુક્ત અને અન્ય નિર્વાચન આયુક્ત અધિનિયમ, 2023' ની કલમ 16 ને લઈને આપવામાં આવ્યો છે. આ જોગવાઈ હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોને તેમની સત્તાવાર ફરજો દરમિયાન કરવામાં આવેલા કાર્યો અથવા આપેલા નિવેદનો અંગે સિવિલ દાવા કે ફોજદારી કાર્યવાહી સામે સંપૂર્ણ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે.


ADR દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી

આ મામલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નામના સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે આ અરજીને આ જ મુદ્દા પર અગાઉથી પેન્ડિંગ રહેલી 'લોક પ્રહરી' ની અરજી સાથે જોડી દીધી છે.


શું છે કલમ 16 ની જોગવાઈ?

કલમ 16 અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય કમિશનરો વિરૂદ્ધ હોદ્દા પર રહેતા અથવા હોદ્દો છોડ્યા પછી પણ તેમના સત્તાવાર કામકાજ અંગે કોઈ સિવિલ કે ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી.


ADR ની અરજીમાં શું દલીલ કરાઈ?

ADR એ પોતાની અરજીમાં દલીલ કરી છે કે આ જોગવાઈ ચૂંટણી કમિશનરોને જવાબદેહીથી પર બનાવી દે છે. અરજદારે આ કાયદાને બંધારણની કલમ 14 અને 21 તેમજ બંધારણના મૂળ માળખાની વિરુદ્ધ ગણાવીને કલમ 16 ને અસંવૈધાનિક જાહેર કરવાની માંગ કરી છે. અરજીમાં એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે અન્ય બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા લોકોને આવી આજીવન કાનૂની મુક્તિ મળતી નથી, તો ચૂંટણી કમિશનરોને આટલું વ્યાપક રક્ષણ કેમ આપવામાં આવ્યું છે?



આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પણ ચર્ચામાં છે. તાજેતરમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જે જૂના મતદારોનું નામ હાલની મતદાર યાદીમાં સામેલ નથી, તેઓ પણ નવું નામ ઉમેરવા માટે ફોર્મ-6 ભરી શકે છે. પંચે મતદારોને કોઈપણ અચકાટ વગર અરજી કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News