રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપીઓના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થવાનો સિલસિલો શરૂ થયો છે, જેમાં ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની જામીન અરજી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થયા હતા
આ કેસની હકિકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ, નાના મવા નજીક મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ જવાના બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસ બાદ ગેમ ઝોનના માલિક, જગ્યાના માલિક, મહાપાલિકા ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ, કારીગરો વગેરે 16 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો, તેમાં બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેમાં એક આરોપીનું મૃત્યુ થતાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરી કોર્ટની સૂચનાથી જેલ હવાલે કર્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી
દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા ઉપર આવ્યો છે, ત્યારે અગાઉ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયા, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. બાદ બીજા જમીન માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ પણ પોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆતો,દલીલો બાદ કિરીટસિંહના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા બીજા જમીન માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાના 15 આરોપીઓ
અગ્નિકાંડના 15 પૈકી 8 આરોપીઓને જામીન મળી ગયા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાના 15 આરોપીઓમાં સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠક્કર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાજકોટ મહા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડનો સમાવેશ થાય છે. તેમાંથી ફાયર ઓફિસર ઈલેશ ખેર, ટીપી ઓફિસર મનસુખ સાગઠીયા અને જમીન માલિકો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા વગેરે 4ને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે, જ્યારે ટીપી શાખાના ગૌતમ જોષી, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, ફાયર વિભાગના રોહિત વિગોરા વગેરે ચારના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.