BREAKING NEWS

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર

  • October 27, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેલમાં બંધ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર મળ્યા છે. પોતાના બીમાર નાનાભાઈને મળવા માટે ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. અગાઉ આ બાબતે ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને માત્ર એક દિવસના જામીન મંજૂર કર્યા હતા. જો કે, હાઈકોર્ટના આ હુકમને સર્વોચ્ચ અદાલતમમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે જામીનની મુદતમાં વધારો કરીને તેમને ત્રણ દિવસના હંગામી જામીન આપવાનો મહત્વનો આદેશ કર્યો છે. આ કેસ અંગે વતી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષ રજૂ કર્યો હતો, જે અંગે એડવોકેટ પુનીત જૂનેજા દ્વારા માહિતી આપવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત ગત ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ થઈ હતી, જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના ૩૫ વર્ષીય નાનાભાઈ શાંતિલાલ વસાવાએ અચાનક ઝેરી દવા પીને આપઘાત કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેમની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે નિઝર વિભાગના નાયાબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે પ્રાથમિક તપાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઘરકંકાસ અને વિવાદના કારણે જ તેમણે આત્યંતિક પગલું ભરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નાનાભાઈની નાજુક તબિયત અને પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ચૈતર વસાવાએ જામીન મેળવવા માટે કાનૂની લડત લડી હતી.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર ૨૦૨૩માં ચૈતર વસાવા તેમજ તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના અન્ય આરોપીઓ સામે નર્મદા પોલીસે એક ગંભીર ગુનો નોંધ્યો હતો. જમીન બાબતની અદાવતમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવીને માર મારવા, જાનથી ધમકાવવા અને હવામાં ગોળીબાર કરવાના આક્ષેપ હેઠળ આઈપીસીની કલમ ૧૪૩, ૧૪૧, ૧૪૯, ૧૮૬, ૨૯૪, ૩૫૩, ૩૮૬ તથા આર્મ્સ એક્ટની કલમ પચ્ચીસ મુજબ ગુના દાખલ કરાયા હતા. આ કેસની સુનાવણી બાદ નર્મદાની સત્ર કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ નવ આરોપીઓને દોષિત ઠેરવીને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજાના પગલે તેમને ગત ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૬માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે પણ હાઈકોર્ટે તેમને ૭ દિવસના જામીન મંજૂર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application