ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી-૨૦ સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાએ ઈનિંગ્સની શરૂઆતની પાવરપ્લેની પ્રથમ ૬ ઓવરમાં જ વિના વિકેટે ૧૧૮ રન બનાવીને ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટનો નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાના નામે નોંધાયેલો જૂનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો છે. અગાઉ ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયન ટીમે સ્કોટલેન્ડ સામે પાવરપ્લેમાં ૧૧૩ રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર હતો.
સૂર્યવંશી અને અભિષેકની તોફાની બેટિંગ
મેચમાં ભારતીય ઓપનરોએ શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના બોલરો પર આક્રમક પ્રહાર કર્યા હતા. ટીમે ધુઆંધાર બેટિંગ કરતા માત્ર ૩૦ બોલમાં (૫ ઓવરમાં) પોતાના ૧૦૦ રન પૂરા કરી લીધા હતા. ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલા આ સૌથી ઝડપી ૧૦૦ રન છે. ભારતે આ મામલે સાઉથ આફ્રિકાનો રેકોર્ડ તોડ્યો છે, જેણે ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૩૩ બોલમાં (૫.૩ ઓવરમાં) ૧૦૦ રન પૂરા કર્યા હતા. ભારતીય ઈનિંગ્સમાં અભિષેક શર્માએ આક્રમક રમત દાખવતા માત્ર કેટલાક જ બોલમાં ૮૦ રન બનાવીને ક્રિઝ પર અણનમ રહ્યા હતા.
વૈભવ સૂર્યવંશી ૪૫ રન બનાવી આઉટ
વિસ્ફોટક શરૂઆત બાદ ભારતીય ટીમને આઠમી ઓવરના પ્રથમ બોલ પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ન્યૂઝીલેન્ડના બોલર મેથ્યુ ફિશરે વૈભવ સૂર્યવંશીને ડેરીલ મિચેલના હાથે કેચ આઉટ કરાવીને આ ભાગીદારીનો અંત આણ્યો હતો. વૈભવે માત્ર ૧૯ બોલનો સામનો કરીને ૪૫ રનની તોફાની ઈનિંગ્સ રમી હતી, જેમાં તેણે ૪ ચોગ્ગા અને ૪ દર્શનીય છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશી અને અભિષેક શર્માની આ વિસ્ફોટક ઓપનિંગ જોડીએ ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે વિખેરી નાખ્યું હતું અને ટીમને વિશાળ સ્કોર તરફ આગળ ધપાવી હતી.
અભિષેકે 15 બોલ પર ફિફ્ટી ફટકારી
ભારતે 4 ઓવરમાં વિના વિકેટે 84 રન બનાવી લીધા છે. અભિષેક શર્માએ 17 બોલ પર 59 રન બનાવી લીધા છે, જ્યારે વૈભવ સૂર્યવંશી 8 બોલ પર 19 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેકે 15 બોલ પર ફિફ્ટી લગાવી. કાઇલ જેમીસનની ઓવરમાં 20 રન આવ્યા. અભિષેકે ઓવરમાં 3 ચોગ્ગા અને 2 સિક્સર ફટકાર્યા.
ન્યૂઝીલેન્ડે 198 રન બનાવ્યા
ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ ત્રીજી T20માં 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા છે. ડેરીલ મિચેલ 52 બોલ પર 89 રન બનાવીને અણનમ રહ્યો. તેણે 4 ચોગ્ગા અને 8 સિક્સર ફટકાર્યા. પ્રિન્સ યાદવે છેલ્લી ઓવરમાં 9 રન આપ્યા. ભારતને સિરીઝમાં સતત ત્રીજી જીત માટે 199 રન બનાવવા પડશે.