BREAKING NEWS

ગુજરાતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026નો અમલ કરાશે, 100% કચરાના કલેક્શન પર સરકારનો રોડમેપ તૈયાર

  • October 27, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા ગુજરાત સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026ના અમલીકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના અમલ માટે રાજ્ય સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. આ નિયમો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવ્યા છે, જે અંતર્ગત 100 ટકા કચરાનું કલેક્શન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેરી વિકાસ વિભાગનાં સચિવ રેમ્યા મોહને જણાવ્યું હતું કે, નિયમોના અસરકારક અમલીકરણ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને નાગરિકોને જોડવામાં આવશે. ઘરેથી ચાર પ્રકારના કચરાનું અલગ-અલગ કલેક્શન કરવાની વ્યવસ્થા અમલી બનાવાશે. સૂકા અને ભીના કચરાના યોગ્ય નિકાલ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમો પણ યોજાશે.


રાજ્ય અને જિલ્લા કક્ષાએ અમલીકરણ તથા મોનિટરિંગ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ સેલની રચના કરીને નિયમોની અમલવારી પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઠરાવ કરીને નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી શકશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને લીડ ફેસિલિટેટર તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે અને પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત હાલમાં દેશમાં ત્રીજા ક્રમે છે અને પ્રથમ ક્રમે પહોંચવાનો સંકલ્પ છે. વિભાગે સ્વચ્છતા સંબંધિત 99 ટકા ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કર્યાનો દાવો કર્યો હતો. વોટ્સએપ હેલ્પલાઇન મારફતે મળતી ફરિયાદોનું 24 કલાકમાં નિરાકરણ લાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News