રાજકોટ શહેરના રૈયા ડમ્પિંગ સાઈટ પાસે આજે વહેલી સવારે બાઈક સ્લીપ થતા રોડ પર પડેલા પથ્થર યુવકને માથાના ભાગે લાગી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. યુવક બજાજ ફાઇનાન્સ વિભાગમાં કામ કરતો હતો. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.
બનાવની મળતી વિગત મુજબ 150 ફૂટ રોડ પર શીતલ પાર્ક નજીક રહેતો જતીન પ્રફુલભાઈ જાની (ઉ.વ.28)નો યુવક આજે વહેલી સવારે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રૈયા ડમ્પિંગ રોડ નજીક બાઈક સ્લીપ થતા ત્યાંજ પટકાયો હતો. પસાર થતા રાહદારીને ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા 108માં ફોન કર્યો હતો અને યુવકને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ જતીન બજાજ ફાઇનાન્સના લોન વિભાગમાં નોકરી કરતો હતો. એકનો એક પુત્ર હતો.