જામનગર કનઝ્યુમર કોર્ટનો વીમા ધારકો માટે રાહતરૂપ ચુકાદો
જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ પી.સી. રાવલ તથા સભ્ય જયશ્રીબેન મકવાણાની ખંડપીઠે ફરિયાદ કીર્તિ અશોકભાઈ કનખરા વિરુદ્ધ અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, જામનગરમાં રોજ હુકમ કરી ફરિયાદ મંજૂર કરી છે. ફરિયાદી કીર્તિ અશોકભાઈ કનખરા, રહે. જામનગર, દ્વારા સામાવાળી વીમા કંપની પાસેથી વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૭ સુધીના સમયગાળા માટે રૂ.૧૦,૦૦,૦૦૦/-ના વીમા કવચ ધરાવતી મેડિકલ પોલિસી લેવામાં આવી હતી. પોલિસી અમલમાં હતી તે દરમિયાન ફરિયાદીના પત્ની નિધીબેનને કાન તથા ગળાની તકલીફ થતાં અમદાવાદની સ્વારી હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર આપવામાં આવી હતી. આ સારવાર પાછળ દવા, હોસ્પિટલ ચાર્જ સહિત કુલ રૂ.૯૭,૮૭૩/-નો ખર્ચ થયો હતો. ફરિયાદીએ તમામ જરૂરી દસ્તાવેજો તથા ઓરિજિનલ બિલો સાથે વીમા કંપની સમક્ષ ક્લેઈમ રજૂ કર્યો હતો.
વીમા કંપનીએ રિપ્યુડિએશન લેટર દ્વારા ૨૪ માસનો વેઇટિંગ પિરિયડ લાગુ પડે છે તેવું કારણ દર્શાવી ક્લેઈમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આથી ફરિયાદીએ પોતાના હક માટે એડવોકેટ મારફતે જામનગર જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી પક્ષે આયોગ સમક્ષ રજૂઆત કરી હતી,બંને પક્ષોની દલીલો તથા રેકર્ડ પર રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓની તપાસ કર્યા બાદ આયોગે પોર્ટેબિલિટી પોલિસીની શરતો તથા રિપ્યુડિએશન લેટરમાં દર્શાવાયેલા કારણનું વિશ્લેષણ કર્યું હતું. જામનગર જિલ્લા ગ્રાહક આયોગે ફરિયાદ ખર્ચ સાથે મંજૂર કરી વીમા કંપનીને સારવાર ખર્ચ રૂ.૯૭,૮૭૩, ફરિયાદ ખર્ચ રૂ.૫,૦૦૦ કુલ રૂ.૧,૦૨,૮૭૩ રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ રકમ હુકમની તારીખથી બે માસની અંદર ચૂકવવાની રહેશે. જો વીમા કંપની નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો ફરિયાદી સમગ્ર બાકી રકમ પર વાર્ષિક ૯% વ્યાજ સાથે વસૂલાત મેળવવા હક્કદાર રહેશે. આ કામના ફરિયાદી તરફે જામનગરના એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતાએ ફરિયાદીને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.