BREAKING NEWS

જામનગર મહાનગરપાલીકામાં કામગીરીને લાગ્યું મીટીંગોનું ગ્રહણ..!

  • October 27, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલીકામાં કામગીરીને લાગ્યું મીટીંગોનું ગ્રહણ..!


જામનગર મહાનગરપાલીકામાં કામગીરીને મીટીંગનું ગ્રહણ લાગ્યું હોય તેવી ચર્ચા ખુદ અધિકારીઓ અને કર્મચારીઓમાં જોરશોરથી થઇ રહી છે. કારણ કે, સપ્તાહમાં મહદઅંશે રોજ મેરથોન બેઠકોના દૌર અને છાશવારે વીડીયો કોન્ફરન્સથી કામ માટે પૂરતો સમય ન મળતા ભારણ વધી રહ્યાનું અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે. આટલું જ નહીં મીટીંગો લાંબો સમય ચાલતા દૈનીક અગત્યની કામગીરીમાં અવરોધ અને વિલંબની ફરિયાદો પણ ઉઠી છે. તદઉપરાંત મીટીંગોના દૌરના કારણે અરજદારોને તો ઠીક નગરસેવકોને પણ અધિકારીઓ મળતા ન હોવાનો ભારે ગણગણાટ થઇ રહ્યો છે. 

સરકારી કોઇ પણ કચેરી હોય તેમાં મીટીંગ થાય તે નવી વાત નથી. આટલું જ નહીં વિકાસ તથા અન્ય કામ સુચારૂ અને સમયસર રીતે અને ગુણવતાયુકત થાય તે માટે મીટીંગ કરવી પણ જરૂ​​​​​​​રી છે. જે સારી અને આવકારદાયક બાબત છે. ગુજરાતીમાં કહેવત છે ને કે અતિની ગતિ ન હોય અને બધું લીમીટમાં સારૂ​​​​​​​ લાગે. પરંતુ જામનગર મહાનગરપાલીકામાં છેલ્લા થોડા સમયથી મીટીંગોનું પ્રમાણ ખૂબજ વઘ્યું છે. આથી મહત્વની કામગીરીને જાણે મીટીંગોનું ગ્રહણ લાગ્યું હોય તેવી ચર્ચા ખુદ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓમાં જોરશોરથી થઇ રહી છે. કારણ કે, મહાનગરપાલીકામાં સપ્તાહમાં મહદઅંશે રોજ કયારેક નિર્ધારીત  તો અમુક કીસ્સામાં તાકીદની મીટીંગો નો દૌર ચાલી રહ્યો છે. મીટીંગોના આ દૌર વચ્ચે વીડીયો કોન્ફરન્સ તો અલગ. મીટીંગો કેટલો સમય ચાલશે તે નિર્ધારીત ન હોય અમુક કીસ્સાઓમાં તો અધિકારીઓ અને કર્મચારીઓને ભોજન કરવાનોે સમય પણ રહેતો ન હોવાની ફરિયાદો ઉઠી છે. તદઉપરાંત સતત મીટીંગોને કારણે અધિકારીઓ અને કર્મચારીઓને રોજની મહત્વની કામગીરી માટે સમય ન રહેતા કામનું ભારણ વધી રહ્યાની ચર્ચા પણ મનપાના પટાંગણમાં જોરશોરથી થઇ રહી છે. 

બીજી બાજુ મીટીંગો અને વીડીયો કોન્ફરન્સના કારણે નીચલા અધિકારીઓ મનપાની કામગીરી સબબ ઉપલા અધિકારીઓને મળી ન શકતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આટલું જ નહીં મીટીંગોના કારણે નગરસેવકો અને અરજદારો પણ સંબધિત અધિકારીઓને મળી શકતા ન હોવાની રાવ પણ જોરશોરથી ઉઠી છે. બીજી બાજુ મીટીંગો લાંબો સમય ચાલતા મનપાની રોજની મહત્વની કામગીરીમાં અવરોધ અને વિલંબ થઇ રહ્યાનો ચણભણાટ પણ ચાલી રહ્યો છે. આટલું જ નહીં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓમાં સતત મીટીંગો શું કામ તે સળગતો સવાલ પણ ઉઠયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application