રાજકોટના અટલ સરોવર ખાતે આજે ભવ્ય એર-શોનું આયોજન થયું છે. જેને નિહાળવા માટે રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડ્યા છે. એર-શો પહેલા એરફોર્સના બેન્ડે જમાવટ કરી પાડી દીધી હતી. દેશભક્તિના ગીતો પર ધૂન રેલાવી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાદમાં
ઇન્ડિયન એરફોર્સ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્માર્ટ સિટી એરિયા ખાતે અટલ સરોવર નજીક દુબઇ જેવા એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં વિમાનો દ્વારા અવનવા સ્ટંટ કરતા લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા. આકાશ ગંગા હેલિકોપ્ટર ટીમ તરફથી પણ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. સૂર્ય કિરણ અને આકાશ ગંગા તેમ બન્ને ટીમના પરફોર્મન્સે ચાંર ચાંદ લગાવી દીધા હતા.
વાયુસેનાના શસ્ત્રોનું પ્રદર્શન નાગરિકો માટે રાખવામાં આવ્યું છે. આ શસ્ત્રો નિહાળી લોકો અભિભૂત થયા હતા. ખાસ કરીને તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર વેળાએ હવાઈ હુમલા કરવા માટે તેમજ ભારત ઉપરના હવાઈ હુમલા ખાળવા માટે ઉપયોગમાં લેવાયેલું રડારે લોકોમા આકર્ષણ જમાવ્યું હતું.
એર શો: મિનિટ ટુ મિનિટ શેડ્યુલ
૧૦-૦૦થી ૧૦-૩૦: વેલ કમ સેરેમની
૧૦-૩૦થી ૧૦-૩૨: ઇન્ટ્રોડક્શન ઓફ બેન્ડ
૧૦-૩૨થી ૧૧-૦૦: એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ
૧૧-૦૦: વેલકમ ફ્લાય પાસ બાય સી-૨૯૫
૧૧-૧૩: હેલિકોપ્ટર ટીમ આકાશગંગા પરફોર્મન્સ
૧૧-૩૦થી ૧૨: એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ
૧૨-૦૦ સૂર્યકિરણ એરોબેટિક ટીમ પરફોર્મન્સ
૧૨-૩૦ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ સાથે સમાપન
સાત વ્યુ પોઇન્ટ, આઠ પાર્કિંગ પ્લોટ
એર શો નિહાળવા આવનાર નાગરિકો માટે અટલ સરોવર આજુબાજુ એ, બી, સી, ડી, ઇ, એફ અને જી તેમ કુલ સાત વ્યુ પોઇન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે તેમજ કુલ આઠ પ્લોટ પાર્કિંગ પોઇન્ટ તરીકે રાખવામાં આવ્યા છે જેમાં બી, સી અને ડી રિઝર્વ પાર્કિંગ છે, જ્યારે એ, ઇ, એફ, જી અને એચ જનરલ પાર્કિંગ છે.