BREAKING NEWS

અમદાવાદમાં 538 જેલ સહાયકોની બેચ-20નો શપથ ગ્રહણ અને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો, જેલ ડીજીપી કે એલ એન રાવે માર્ગદર્શન આપ્યું

  • November 04, 2026 05:50 PM 

અમદાવાદમાં ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ પ્રભાગ અંતર્ગત તાલીમાર્થી જેલ સહાયકોની બેચ-૨૦નો શપથ ગ્રહણ અને પાસિંગ આઉટ સમારોહ અત્યંત ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ તાલીમ મેળવનાર નવદિક્ષિત કર્મચારીઓમાં ૬૦ મહિલાઓ અને ૪૭૮ પુરુષો મળીને કુલ ૫૩૮ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક યુનિફોર્મધારી તાલીમાર્થીના જીવનમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ હોય છે અને તે પોતાની સમગ્ર તાલીમ દરમિયાન આ જ ક્ષણની રાહ જોતો હોય છે.   


આ સમારોહમાં સિનિયર આઇપીએસ અધિકારી અને જેલ ડીજીપી કે એલ એન રાવ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

કે એલ એન રાવે તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, તમામ શપથ ગ્રહણ કરનાર યુવાનો અત્યંત નસીબદાર છે કે તેઓએ ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ પ્રભાગની અતિ આધુનિક તાલીમ ઇન્સ્ટિટ્યુટ (GIPCA) ખાતેથી પાયાની તાલીમ મેળવી છે. ભવિષ્યમાં આ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ જોઈને દરેક કર્મચારીને આ સંસ્થાના ભૂતપૂર્વ તાલીમાર્થી હોવાનું ગર્વ અનુભવાશે. આ તમામ કર્મચારીઓ સંસ્થાના વિઝન સમાન છે.   

વધુમાં જણાવ્યું હતું કે, તાલીમ દરમિયાન શ્રમિકો અને કર્મચારીઓએ માત્ર આઉટડોર કસરતો જ નહીં, પરંતુ કાયદાકીય અને તકનીકી બાબતોનું પણ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું છે. જેમાં જેલ મેન્યુઅલ, પ્રિઝન એક્ટ, પ્રિઝનર એક્ટ, પેરોલ/ફર્લો નિયમો, ગુજરાત મુલ્કી સેવાના નિયમો, શિસ્ત અને અપીલના નિયમો તેમજ માનવ અધિકારો વિશે સઘન તાલીમ અપાઈ છે. આ ઉપરાંત ભારતીય બંધારણ, રાઇટ ટુ ઇન્ફર્મેશન, આઈ.પી.સી., સી.આર.પી.સી. અને નવા અમલીકરણ થયેલા કાયદાઓ જેમ કે BNS, BNSS અને BSA વિશે પણ માર્ગદર્શન મેળવ્યું છે.   

વધુમાં જણાવ્યું હતું કે, આધુનિક યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ક્રિમિનોલોજી તેમજ યોગ, કરાટે અને સ્પોર્ટ્સની પણ તાલીમ આપવામાં આવી છે. સુરક્ષા અને શિસ્તના મામલે પ્રાથમિક સારવાર તેમજ આધુનિક સાધનો જેવા કે NUD, બોડીવોર્ન કેમેરા, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, બેગેઝ સ્કેનર, બોડી સ્કેનર અને બ્રિધલાઇઝરનો ઉપયોગ કરવાની પદ્ધતિ શીખવાડવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ યુગ સાથે કદમ મલાવવા ઈ-પ્રિઝન એપ્લિકેશનનું વિશેષ જ્ઞાન પણ આપવામાં આવ્યું છે.   

વધુમાં જણાવ્યું હતું કે, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મુખ્યત્વે ત્રણ સ્તંભો પર કામ કરે છે, જેમાં કાયદા અમલીકરણ માટેની એજન્સીઓ (પોલીસ), ન્યાય આપતી અદાલતો અને અદાલતના ચુકાદા બાદ બંદીવાનોની દેખરેખ તથા સુધારણા માટેની જેલ પ્રભાગની એજન્સીનો સમાવેશ થાય છે. આ ન્યાય પ્રણાલીના પાયા સમાન વ્યવસ્થામાં જેલ પોલીસ સેવા એ હિંમત, બલિદાન અને સમર્પણનું સાચું પ્રતીક છે. જેલોની ચાર દીવાલો વચ્ચે સજા ભોગવી રહેલા કેદીઓને પશ્ચાતાપની ભઠ્ઠીમાં તપાવીને એક સારા નાગરિક તરીકે સમાજમાં પુનઃસ્થાપિત કરવાની મોટી જવાબદારી આ કર્મચારીઓના શિરે છે.   

પોલીસ અધિકારીઓએ આગળ ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં બદલાતા સામાજિક અને તકનીકી પરિપ્રેક્ષ્યમાં ગુનાખોરીના સ્વરૂપો પણ બદલાયા છે. આર્થિક વૈશ્વિકીકરણ અને ટેક્નોલોજીના વિકાસને કારણે વ્હાઇટ કોલર ક્રાઈમ જેવા ગુનાઓ આચરનારા અપરાધીઓ પણ હવે જેલોમાં પહોંચી રહ્યા છે. આવા વિશિષ્ટ ગુનેગારોનો સામનો કરવા માટે અને જેલની આંતરિક સુરક્ષા, શાંતિ તથા શિસ્ત જાળવી રાખવા માટે આધુનિક જ્ઞાન અને ઊંડી સમજ હોવી અનિવાર્ય છે.   

છેલ્લા નવ મહિનાની આકરી અને કઠોર તાલીમથી સજ્જ થયેલા આ યુવા કર્મચારીઓ પોતાની ફરજો ઉત્તમ રીતે નિભાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ બન્યા છે. આ સફળતા બદલ તમામ તાલીમાર્થીઓ, તેમના પરિવારજનો, સંસ્થાના પ્રિન્સિપાલ અને પ્રશિક્ષકોને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અંતમાં દેશ અને સમાજ પ્રત્યેની વફાદારીના શપથ સાથે આ ભવ્ય સમારોહનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News