રાજ્યમાં TET-1 પાસ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા છેલ્લા ચાર મહિનાથી અટકી પડી હોવાના વિરોધમાં રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ૭૦૦થી વધુ ઉમેદવારોએ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચીને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) તાત્કાલિક જાહેર કરવાની ઉગ્ર માગ કરી હતી. ઉમેદવારોનો સીધો આક્ષેપ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટ કેસનું બહાનું આગળ ધરીને ભરતી પ્રક્રિયાને ખોટી રીતે વિલંબિત કરવામાં આવી રહી છે. રજૂઆત દરમિયાન મહિલા ઉમેદવારે ગંભીર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે કોઈ આતંકવાદી નથી, તેમ છતાં અમને વિદ્યા સમીક્ષા કેન્દ્રના વોશરૂમનો ઉપયોગ કરવા પણ દેવાયો નહોતો."
૭૦૦ નાપાસ ઉમેદવારોના કેસના કારણે ૧૦,૧૬૦ પાસ ઉમેદવારો અટવાયા
TET-1 પાસ ઉમેદવારોનું કહેવું છે કે, આશરે ૭૦૦ જેટલા નાપાસ થયેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસને કારણે ૧૦,૧૬૦ જેટલા TET-1 પાસ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, હાલમાં ભરતી પ્રક્રિયા પર કોર્ટનો કોઈ સ્ટે (મનાઈહુકમ) નથી, છતાં કાયમી ભરતીને કાનૂની વિવાદ સાથે સાંકળીને આખી પ્રક્રિયા અટકાવી દેવી તે બિલકુલ અયોગ્ય છે. જો કોર્ટ કેસમાં સંકળાયેલા ઉમેદવારોની જગ્યાઓ અનામત રાખીને અથવા તેમને હાલ પૂરતા બાકાત રાખીને ભરતી કરી શકાતી હોય, તો આખી ભરતી પ્રક્રિયા અટકાવવાનું કારણ શું?
સંપૂર્ણ તૈયારીઓ છતાં અનિશ્ચિત ભવિષ્ય: અધિકારીઓના ઘસઘસાટ જવાબોથી રોષ
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક દરમિયાન પણ ઉમેદવારોને અગાઉથી મળતો 'કોર્ટ કેસ ચાલે છે એટલે ભરતી આગળ વધી શકે નહીં' એવો જ ગોળ-ગોળ જવાબ મળ્યો હતો. આ જવાબથી ઉમેદવારોમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેઓ વર્ષો સુધી આકરી મહેનત અને રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. પરંતુ તંત્રના નકારાત્મક વલણને કારણે ૧૦,૧૬૦ પાસ ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયું છે. જો કોર્ટના આખરી ચુકાદાની જ રાહ જોવામાં આવશે તો આ ભરતી હજુ આગામી બે-ત્રણ વર્ષ સુધી લંબાઈ જવાની ભીતિ છે.
૭ ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ: ૯મીથી ગાંધીનગરમાં મોટા આંદોલનની ચેતવણી
પોતાના હક્કો માટે લડી રહેલા TET-1 ઉમેદવારોએ આખરે તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે. ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ વિભાગને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આવનારી ૭ ઓગસ્ટ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) જાહેર કરવામાં નહીં આવે, તો ૯ ઓગસ્ટથી સમગ્ર રાજ્યના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થઈને ઉગ્ર અને વ્યાપક આંદોલન શરૂ કરશે.