ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરતા ગાંધીનગર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. મનપાના ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયા એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ રીતે ફસાઈ ગયા છે.
ધંધાકીય લાયસન્સના બદલામાં માંગી હતી લાંચ
મળતી વિગતો અનુસાર, એક અરજદારને તેમના વ્યવસાય માટેના ધંધાકીય લાયસન્સ મેળવવાની પ્રક્રિયા માટે ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયાનો સંપર્ક કર્યો હતો. લાયસન્સ ઇશ્યૂ કરવાના બદલામાં અધિકારીએ અરજદાર પાસેથી ૧,૦૦,૦૦૦ (એક લાખ) રૂપિયા ની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીનું સફળ ટ્રેપ ઓપરેશન
અરજદારની ફરિયાદના આધારે એસીબીની ટીમે ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી નજીક છટકું ગોઠવ્યું હતું. જ્યારે ઉપેન્દ્ર સુતરીયાએ અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીના અધિકારીઓએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી લાંચની પૂરેપૂરી રકમ કબજે કરવામાં આવી છે.
તપાસનો ધમધમાટ
આ અધિકારીની ધરપકડ બાદ એસીબી દ્વારા તેમની ઓફિસ તેમજ રહેણાંક મકાન પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ તેમણે કેટલા લોકો પાસેથી આ પ્રકારે નાણાં પડાવ્યા છે અને તેમની પાસે કેટલી અપ્રમાણસર મિલકત છે, તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઘટનાથી ગાંધીનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્ય સરકારના "ઝીરો ટોલરન્સ" અભિગમ હેઠળ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઓપરેશનને જોવામાં આવી રહ્યું છે.