મોરબી અને પડધરી તાલુકામાં સરકારી ફરજ બજાવતા બે શિક્ષકો સામે ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધાતા શિક્ષણવર્ગમાં ચકચાર મચી ગઈ છે. મોરબી જિલ્લાના પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પ્રીતિ ઘેટીયા અને પડધરી તાલુકાના રોહિશાળા ગામની શાળામાં કાર્યરત પ્રાથમિક શિક્ષક મુકેશ સોલંકી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
યુવતીના અંગત ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
પોલીસમાં નોંધાયેલી એફઆઇઆર અનુસાર, 35 વર્ષીય પરિણીત યુવતીનો સંપર્ક પ્રીતિ ઘેટીયાએ મુકેશ સોલંકી સાથે કરાવ્યો હતો. ત્યારબાદ મુકેશ સોલંકીએ યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપી મુકેશે યુવતીના અંગત ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 4 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.
યુવતીના લગ્ન રોકાવ્યા
યુવતીના કુટુંબીજનોએ પણ પોલીસને જણાવ્યું છે કે ગત 23 નવેમ્બરે યુવતીના નક્કી થયેલા લગ્ન પણ મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયાએ રોકાવી નાખ્યા હતા, જેને કારણે યુવતીનું જીવન જોખમમાં મુકાયું હતું. ફરિયાદ મુજબ, મુકેશ સોલંકીએ ચાર્જિંગ વાયર લઈને યુવતીને માર માર્યો હતો અને તેનાથી યુવતી માનસિક અને શારીરિક ત્રાસમાંથી પસાર થવી પડી હતી.
ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર, ખંડણી, હિંસા અને ગુનાહિત કાવતરું સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પ્રાથમિક કાર્યવાહીરૂપે પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી મુકેશ સોલંકી ફરાર છે. તેની શોધખોળ માટે પોલીસની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસનો કહેવું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને તમામ પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક સ્તરે આ પ્રકારના ગંભીર આરોપો સામે આવતા શિક્ષણવર્ગમાં ભારે અકળામણ જોવા મળી રહી છે.